નવી દિલ્હી : ઠગ સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત 200 કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં આરોપી અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસે દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે. કોર્ટમાં અરજી દાખલ કરી તેની સામે દાખલ કરવામાં આવેલી એફઆઈઆર રદ કરવાની માંગ કરી છે.
જેકલીનની દલીલ : જેકલીને કહ્યું છે કે, તેના પર લાગેલા તમામ આરોપો ખોટા છે. સુકેશ ચંદ્રશેખરે તેની સાથે છેતરપિંડી કરી છે. આ ઉપરાંત અદિતિ સિંહે પણ છેતરપિંડી કરી હતી. જેકલીને કહ્યું છે કે તેને સુકેશ ચંદ્રશેખર દ્વારા નિશાન બનાવવામાં આવી છે. મની લોન્ડરિંગ કેસમાં તેની કોઈ સંડોવણી નથી. જેકલીન ફર્નાન્ડિસે સુકેશ ચંદ્રશેખરના દાવાને ફગાવી દીધો છે કે તે તેની સાથે રિલેશનશિપમાં છે.
અત્યાર સુધીનો ઘટનાક્રમ : ઉલ્લેખનિય છે કે, 15 નવેમ્બર 2022 ના રોજ પટિયાલા હાઉસ કોર્ટે જેકલીન ફર્નાન્ડીઝને જામીન આપ્યા હતા. 31 ઓગસ્ટ, 2022 ના રોજ કોર્ટે જેક્લીન ફર્નાન્ડિઝ વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી પુરક ચાર્જશીટની નોંધ લીધી હતી. 17 ઓગસ્ટ, 2022 ના રોજ ED એ પુરક ચાર્જશીટ દાખલ કરી હતી. ED એ સપ્લીમેન્ટરી ચાર્જશીટમાં જેકલીનને આરોપી બનાવી હતી. ED એ આ કેસમાં જેકલીનની 7 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે.
જેકલીન પર શું આરોપ ? ED ની ચાર્જશીટ અનુસાર આ કેસના મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખરે 5 કરોડ 71 લાખ રૂપિયાથી વધુની ગિફ્ટ આપી હતી. સુકેશ તેની સહયોગી પિંકી ઈરાની મારફતે જેકલીનને ગિફ્ટ પહોંચાડતો હતો. આ ગિફ્ટમાં 52 લાખ રૂપિયાનો ઘોડો અને 9 લાખ રૂપિયાની પારસી બિલાડીનો પણ સમાવેશ થાય છે.