રાંચી: ચેક બાઉન્સ અને છેતરપિંડીના કેસમાં અભિનેત્રી અમીષા પટેલ આજે ફરી રાંચીની કોર્ટમાં હાજર થશે. હાલ તે જામીન પર બહાર છે. છેલ્લી સુનાવણી દરમિયાન તેમને તારીખ 21 જૂને રાંચીની નીચલી કોર્ટમાં શારીરિક રીતે હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ગદર ફેમ અભિનેત્રી અમીષા પટેલે તારીખ 17 જૂને ચેક બાઉન્સ કેસમાં રાંચી કોર્ટમાં સરેન્ડર કર્યું હતું. જે બાદ તેને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. તેણે સિનિયર ડિવિઝન જજ ડીએન શુક્લાની કોર્ટમાં આત્મસમર્પણ કર્યું હતું. 10-10 હજારના બે બોન્ડ ભર્યા બાદ તેને જામીન આપવામાં આવ્યા હતા.
ફિલ્મમેકરે કર્યો કેસઃ રાંચીના ફિલ્મમેકર અજય કુમાર સિંહે અભિનેત્રી અમીષા પટેલ વિરુદ્ધ ચેક બાઉન્સ અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. આ સાથે તેણે અમીષા પટેલ પર તેને ધમકી આપવાનો પણ આરોપ લગાવ્યો છે. આ કેસમાં કોર્ટે તેમને અનેક વખત નોટિસ મોકલી હતી. પરંતુ અમીષા પટેલ કોર્ટમાં હાજર રહી ન હતી. જે બાદ કોર્ટે તેની સામે વોરંટ જારી કર્યું હતું. વોરંટ જારી થયા બાદ તે તારીખ 17 જૂને કોર્ટમાં પહોંચી અને તેણે આત્મસમર્પણ કર્યું હતું.
2018નો કેસ: કેસ વર્ષ 2018નો છે. અમીષા પટેલ પર 2.5 કરોડ રૂપિયાનો ચેક બાઉન્સ થવાનો આરોપ છે. નિર્માતા અજય કુમારનો આરોપ છે કે પૈસા લીધા પછી પણ તેણે ફિલ્મમાં કામ કર્યું નથી. જ્યારે તેણે પૈસા પાછા માંગ્યા તો પહેલા અમીષા પટેલે આનાકાની કરી. બાદમાં દબાણ આપવા પર તેણે ચેક આપ્યો હતો, જે બાઉન્સ થયો.