દાદરા નગર હવેલીમાં 2,50,027 જેટલા મતદારો માટે 288 મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. જેમાંથી 21 મતદાન કેન્દ્રોને મોડલ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. જેમાં મતદાતાઓને આકર્ષિત કરવા માટેની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ છે. આ તમામ મતદાન કેન્દ્ર પર આવતા મતદારો માટે લાલ કાર્પેટ પાથરી તેમનું સ્વાગત કરવામાં આવશે. દિવ્યાંગો માટે મેડિકલ કીટ, વ્હીલચેર અને પાણીની વ્યવસ્થા જેવી અનેક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ સાથે આદર્શ બેઠક વ્યવસ્થા અને શૌચાલયો તથા અન્ય સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. ગર્ભવતી મહિલા અને સ્તનપાન કરાવવા વાળી માતાઓ માટે પણ અલગ સુવિધા ઉભી કરાઇ છે. મતદાન કરતી વખતે બાળકને સાચવી રાખવા માટે ખાસ ઘોડિયાઘર બનાવવામાં આવ્યા છે. જેમાં સ્વયં સેવીકાઓ જેતે મતદાર મહિલાના બાળકને ઘોડિયામાં સાચવશે અને રમકડાની પણ અવ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.
લોકતંત્રના આ તહેવારમાં આદર્શ મતદાન કેન્દ્ર ખાતે વિશેષ સેલ્ફી કાઉન્ટર પણ તૈયાર કરવામાં આવ્યા છે. દાદરાનગર હવેલીના દરેક પંચાયતમાં એક મોડલ મતદાન કેન્દ્ર બનાવ્યું છે. આ 288 મતદાન મથક પર 2500 પોલીંગ સ્ટાફ અને પોલીસ જવાનોને ફરજ પર મુકાયા છે. તો કુલ 8 SST અને 8 FST તથા 10 વિડીયોગ્રાફીની ટીમ પણ ગોઠવવામાં આવી છે. એ સાથે જ સ્વયંસેવકોને પણ વિશેષ ફરજ સોંપવામાં આવી છે. તેમ છતાં જો કોઈ મતદાતાને કોઈ અડચણ આવે તો BLO ને 1950 હેલ્પ લાઈન નંબર પર ફોન કરી શકાશે. હાલ, આ તમામ મતદાન કેન્દ્રો ખાતે EVM અને VVPET સાથે કર્મચારીઓ અને સુરક્ષા જવાનોને રવાના કરાઇ રહ્યા છે.