વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, લોકસભા અધ્યક્ષ તરીકે મોટા બહેન સુમિત્રા મહાજને કુશળતા અને સંયમતાથી કાર્ય કર્યું છે. આ કારણોસર તેઓએ તમામ લોકોના મન ઉપર અલગ છાપ ઉભી કરવામાં સફળતા મેળવી છે. સુમિત્રા મહાજનની હાજરીમાં વડાપ્રધાને કહ્યું કે, “સામાન્ય લોકો તો મને વડાપ્રધાન તરીકે જ ઓળખે છે, પરંતુ ઘણા ઓછા લોકોને ખબર હશે કે અમારા પક્ષમાં જો કોઈ મને ઠપકો આપી શકતું હોય, તો તે મોટા બહેન છે.” વધુમાં તેમણે કહ્યું કે, “મેં અને મોટી બહેને ભાજપાના સંગઠનમાં સાથે કામ કર્યું છે. તેઓનું કાર્ય પ્રત્યેનું સમર્પણ ધ્યાને રાખતા ઈંદોરના લોકોને વિશ્વાસ આપું છું કે, શહેરના વિકાસની બાબતમાં મોટા બહેનની કોઈ ઈચ્છા અધૂરી રહેશે નહીં.”
આપને જણાવી દઈએ કે, સુમિત્રા મહાજન ઈંદોર બેઠક પરથી વર્ષ 1989થી 2014 વચ્ચે સતત આઠ વખત ચૂંટણી જીતી ચુક્યા છે, પરંતુ 75 વર્ષથી વધારે ઉંમરના નેતાઓને ચૂંટણી નહીં લડાવવાનો ભાજપનો નીતિગત નિર્ણયને લઈ મીડિયામાં સમાચાર આવ્યા પછી તેમણે પાંચ એપ્રિલના રોજ જાતે જ ચૂંટણી ન લડવાનો નિર્ણય કર્યો હતો.
ઈન્દોર લોકસભા વિસ્તારમાં 19 મેના રોજ મતદાન થશે. આ ક્ષેત્રમાં મુખ્ય લડત ભાજપના લાલવાણી અને કોંગ્રેસના ઉમેદવાર પંકજ સંઘવી વચ્ચે થનાર છે. અહીં લગભગ 23.5 લાખ મતદારો નોંધાયેલા છે.