ઓનલાઈન શિક્ષણ ઓફલાઇન થતા બાળકોના શિક્ષણ પર ગંભીર અસર પડી
વાવાઝોડાના કારણે વીજળી જતા નેટવર્કની કનેક્ટિવિટી પણ મળતી નથી
કોરોના અને વાવાઝોડાના કારણે બાળકોના અભ્યાસ પર ઉંડી અસર પડી
ગીરસોમનાથ: ગીર પંથકમાં તૌકતે વાવાઝોડાએ તબાહી મચાવ્યા બાદ હજુ પણ જનજીવન થાળે નથી પડ્યુ, તો બીજી તરફ કોરોનાની શિક્ષણ પર માઠી અસર જોવા મળી હોય તેમ છેલ્લા એક વર્ષથી વધુ સમયથી છાત્રો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા હતા. પરંતુ વાવાઝોડાએ ઓનલાઇન અભ્યાસ પણ ઓફલાઇન કરી નાખતા છાત્રોના શિક્ષણ પર ગંભીર અસર જોવા મળી રહી છે.
13 શાળામાંથી મોટાભાગની શાળામાં થયું નુકસાન
એક તરફ વાવાઝોડાના લીધે ગ્રામ્ય વિસ્તામાં લાઇટ અને કનેક્ટીવીટી ન હોવાથી માંડ 10 ટકા જેટલા છાત્રો ઓનલાઇન અભ્યાસ કરી રહ્યા છે. ત્યારે મહત્વની બાબત એ છે કે, ગીર જંગલના નેશ વિસ્તારમાં આવેલી 13 શાળામાંથી મોટા ભાગની શાળામાં વ્યાપક નુકશાન થયું છે.
જંગલમાં બાળકોનો અભ્યાસ શરુ કરાયો
વાવાઝોડાએ વિનાશ સર્જયો હોય તેમ ગીર જંગલમાં આવેલા કાણેકનેશ શાળાનું બિલ્ડીંગ સંપૂર્ણ ધરાશાયી થયું હોવાથી ત્યાં છાત્રોને અભ્યાસ કેમ કરાવો તે વિકટ પ્રશ્ન સામે આવીને ઉભો હતો. તેમાંય વાવાઝોડા બાદ જે માંડ-માંડ નેટવર્ક પણ ન મળતું હોવાથી છાત્રોનો અભ્યાસ દિન-પ્રતિદિન બગડી રહ્યો હતો.
વીજળી ના હોવાથી પણ સમસ્યા વધી ગઈ હતી
બીજી તરફ વિજળી પણ ન હોવાથી સમસ્યા વધતી જોવા મળતી હોવાથી, અંતે આ 13 શાળાના 42 શિક્ષકો દ્વારા 377 છાત્રોને શેરી શિક્ષણ આપવાનું નક્કી કર્યુ હતું. જંગલમાં છાત્રોને અભ્યાસ કરાવા શિક્ષકો પહોંચી જતાં હાલ આ છાત્રોનો અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો છે.
નેસ વિસ્તારમાં આવેલી મોટાભાગની શાળાને થયું છે નુક્સાન
ગીર જંગલમાં નેસ વિસ્તારમાં આવેલી 13 શાળામાં વાવાઝોડા દરમિયાન વ્યાપક નુકશાન થયુ છે અને શાળામાં વિદ્યાર્થીઓને બેસવાની સુવિધા પણ નથી. બીજી તરફ કાણેકનેશનું બિલ્ડીંગ સંપૂર્ણ ધરાશયી થયુ છે.
છાત્રો પાસે એન્ડ્રોઇડ ફોન આવ્યા પણ અભ્યાસમાં જોડાતા નથી
શિક્ષણ વિભાગના સુત્રોમાંથી મળતી માહીતી મુજબ ઓનલાઇન અભ્યાસ બાબતે સર્વે કરવામાં આવ્યો હતો. તેેમાં છાત્રો પાસે એન્ડ્રોઇડ ફોન આવ્યા પણ ઓનલાઇન અભ્યાસમાં જોડાતા ન હોવાનું પણ સામે આવ્યુ. તેનું એક માત્ર કારણ એ છે કે, વાવાઝોડા બાદ નેટ કનેક્ટીવીટી નથી મળતી.
ગ્રામ્ય વિસ્તારોમાં પણ 10થી 15 વિદ્યાર્થી ઓનલાઇન અભ્યાસમાં જોડાય છે
નેસ વિસ્તાર સિવાય ગ્રામ્ય વિસ્તારમાં પણ માંડ 10થી 15 ટકા વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસમાં જોડાતા હોવાનું જાણવા મળી રહ્યુ છે.