વડોદરા: શહેરમાં નકલી પોલીસ બનીને ફરનારા આરોપીની સયાજીગંજ પોલીસે ધરપકડ કરી છે. આ શખ્સ પોતે ક્રાઈમબ્રાન્ચમાં હોવાનું કહી લારી-ગલ્લા વાળા સાથે બોલાચાલી કરી રહ્યો હતો. જેથી સયાજીગંજ પોલીસ મથકની સર્વેલન્સની ટીમે પેટ્રોલિંગ દરમિયાન તેની ધરપકડ કરી છે.
પોલીસને આ શખ્સની તાપસ કરતાં તેની પાસેથી પ્લાસ્ટિકની એર ગનની બુલેટ, નાના છરા અને અંગ્રેજીમાં ક્રાઈમબ્રાન્ચ લખેલી નંબર પ્લેટ મળી આવી હતી. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસમાં સૈયદપુરાના ઈનાયત શેખ નામના વ્યક્તિએ નંબર પ્લેટ બનાવી દેવાનું બહાર આવ્યું. જેથી પોલીસે ઈનાયત શેખ સહિત બન્ને શખ્સ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.