વડોદરાઃ કોરોના વાઈરસના વ્યાપને અટકાવવા માટે કરવામાં આવેલા લોકડાઉનનો પોલીસ તંત્ર દ્વારા કડક અમલ કરાવવામાં આવી રહ્યો છે, ત્યારે મોડી રાત્રે લોકડાઉનમાં ફરવા નીકળેલા યુવાનોને ફટકારતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.
હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે, ત્યારે મોડી રાત્રે કોઇ લોકડાઉનનો ભંગ કરીને ફરવા ન નીકળે તે માટે વડોદરા શહેર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. તેમ છતાં કેટલાક લોકો ફરવા નીકળી પડે છે.
મોડી રાત્રે બાઇક લઇને છાણી રોડ ઉપર ફરવા નીકળેલા બે યુવાનોને પોલીસે રોક્યા હતા. તેઓને લોકડાઉન ભંગ ન કરવાનું ભાન કરાવ્યું હતું. મોડી રાત્રે બનેલા આ બનાવનો વીડિયો વાઇરલ થયો છે.
વીડિયોમાં પોલીસ સંકજામાં આવેલા યુવાન પોલીસ પાસે હવે લોકડાઉનમાં ન નીકળવા માટે માફી માંગતો પણ નજરે પડે છે. આ ઉપરાંત મકરપુરા જી.આઇ.ડી.સી.માં આવેલી એક કંપનીમાં વેલ્ડીંગનું કામ કરવા માટે એક યુવાન જઇ રહ્યો હતો. પોલીસે તેને વડસર બ્રિજ ઉપર રોક્યો હતો, ત્યારે તેના મોઢામાં મસાલો હતો.
પોલીસે પૂછવાનું શરૂ કરતા આ વેલ્ડર યુવાને પોલીસ સામે જ મસાલાની પીચકારી રોડ ઉપર મારતા પોલીસનો પિત્તો ગયો હતો અને લાકડીનો ફટકો માર્યો હતો. પોલીસે મારેલા લાકડીના ફટકામાં યુવાને પહેરેલા પેન્ટની પાછળના ખિસ્સામાં મુકેલો મોબાઇલ ફોન તૂટી ગયો હતો.