વડોદરા: શિક્ષણ સમિતિ દ્વારા કોર્પોરેશનની હદ વિસ્તારમાં શાળાએ ન ગયેલા કે શાળા છોડી દીધેલા બાળકોનો સર્વે કરીને રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ (RTE) 2009 અંતર્ગત 6થી 18 વર્ષની વય જૂથના બાળકોને નજીકની શાળામાં પ્રવેશ અપાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. બાળકોની વયના આધારે એક નિશ્ચિત સમય માટે તેમને સ્પેશ્યિલ ટ્રેનીંગ પણ આપવામાં આવશે. ત્યારબાદ જે તે ધોરણમાં નજીકની સરકારી શાળામાં પ્રવેશ આપવાની કાર્યવાહી કરાશે. સામાન્યથી લઇને દિવ્યાંગ બાળકો શોધી કાઢવા માટે 31 જાન્યુઆરી સુધી સર્વેની કામગીરી કરવામાં આવશે.
આ પણ વાંચો: વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા વર્ગખંડોનું ખાતમુર્હત કરાયું
રોડ- ફૂટપાથ બ્રિજ નજીકથી બાળકો શોધવાની કામગીરી
આ કામગીરી માટે શિક્ષકોની સાથે શાળા વ્યવસ્થાપન સમિતિ, સ્વૈચ્છિક સંગઠનો, બાળ મિત્રો, કોલેજ, NCC- NSS અને અન્ય સરકારી વિભાગો પણ જોડાયા છે. ખાસ કરીને અર્બન, સ્લમ, પછાત એરીયામાં આ પ્રકારના બાળકો શોધવા માટે કામગીરી કરવામાં આવી રહી છે. રિમાન્ડ હોમ, નારી સંરક્ષણ ગૃહ, સ્વૈચ્છિક સંસ્થાન, ઝુપડપટ્ટી, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન ધાર્મિક સ્થાનો, કન્સ્ટ્રક્શન સાઇટ જેવા વિસ્તારોમાં પણ શોધ ચલાવવામાં આવશે.
આ પણ વાંચો: વડોદરાઃ જિલ્લા શિક્ષણ સમિતિમાં 16 નવી શાળાઓનો સમાવેશ, 8 કરોડના વધારા સાથે 188 કરોડનું બજેટ મંજૂર કરાયું
બે દિવસમાં 130 બાળકો શોધાયા
શિક્ષણ સમિતિએ બનાવેલી ટીમ દ્વારા છેલ્લા બે દિવસમાં 130 જેટલા બાળકો વિવિધ વિસ્તારોમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. જેમને હવે ટ્રેનિંગ આપીને નજીકની સરકારી શાળામાં પ્રવેશ આપવાની કામગીરી કરવામાં આવશે. તો 31મી જાન્યુઆરી સુધી 500 ઉપરાંત બાળકો શોધવાનો શિક્ષણાધિકારીએ આશાવાદ વ્યક્ત કર્યો છે.