વડોદરા: વડોદરા મહાનગરપાલિકાનું (VMC Budget 2022) વર્ષ 2022-23નું ડ્રાફ્ટ બજેટ મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું. સાથે સાથે વર્ષ 2021-22નું રિવાઇઝ બજેટ પણ રજૂ કરવામાં આવ્યું હતું. અનુમાન મુજબ 3833.49 કરોડનું કર-દર વિનાનું ચૂંટણીલક્ષી ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, જેમાં 1330 કરોડના વિકાસના કામો રજૂ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: વડોદરા મહાનગરપાલિકા દ્વારા આધુનિક પદ્ધતિ અપનાવી જેટ પેચર્સ મશીન વડે પેચ વર્ક કરવાની કામગીરી શરૂ
2826 કરોડના ખર્ચનો અંદાજ
વડોદરા શહેરની પ્રાથમિક જરૂરિયાતના વિકાસ કામોનો બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, ગ્રીન વડોદરા અને સેફ વડોદરાની દિશામાં મહાનગરપાલિકા આગળ વધશે. ડ્રાફ્ટ બજેટમાં 2826 કરોડના ખર્ચનો અંદાજ મુકવામાં આવ્યો છે, તો 2600 કરોડની આવકનો અંદાજ મુકવામાં આવ્યો છે. 1158 કરોડ મહાનગરપાલિકા પાસે રિવાઇઝ બજેટમાં છે. તમામ આવક અને ખર્ચ બાદ બજેટને અંતે પાલિકા પાસે 928 કરોડ બચવાનો અંદાજ મુકવામાં આવ્યો છે.
પાણી પુરવઠા અને ડ્રેનેજ માટે ઇન્ટિગ્રેટેડ પ્લાન તૈયાર
મ્યુ. કમિશનર શાલિની અગ્રવાલે વધુમાં જણાવ્યું હતું કે, પાણી પુરવઠા અને ડ્રેનેજ માટે ઇન્ટિગ્રેટેડ પ્લાન તૈયાર કરાયો છે, તેનો ખર્ચ 900 કરોડ છે. આ માટે કેન્દ્ર સરકારમાંથી નજીવા દરે લોન મળે તે માટે મહાનગરપાલિકાએ પહેલ કરી છે. આ ઇન્ટિગ્રેટેડ પ્લાન આગામી 45 વર્ષને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો: Union Budget 2022: જૂનાગઢમાં કૃષિ આધારિત ઉદ્યોગો લાવવા વેપારી મહામંડળે જાણો શું કરી માગ
એર મોનિટરિંગ સ્ટેશન સ્થપાશે
મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સ્થાયી સમિતિમાં બજેટ રજૂ કરતાં જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં વધતા જતા એર પોલ્યુશન ઉપર કંટ્રોલ મેળવવા માટે 4 સ્થળ ઉપર એર મોનિટરિંગ સ્ટેશન સ્થાપવામાં આવશે, જેમાંથી એક એર મોનીટરીંગ સ્ટેશન આ વર્ષે સ્થાપવામાં આવશે. આ ઉપરાંત વડોદરા શહેરમાં ઈલેક્ટ્રિક વાહનોની સંખ્યામાં વધારો થતો હોવાનું ધ્યાનમાં રાખી 4 સ્થળે ઇલેક્ટ્રિક વાહન માટે ચાર્જિંગ સ્ટેશન પણ સ્થાપવામાં આવશે.