- વડોદરા ગ્રામ્ય જિલ્લા LCB અને SOGએ લૂંટનો ભેદ ઉકેલ્યો
- કેશિયરને માર મારી 27 હજારની લૂંટ કરવામાં આવી હતી
- યુપીથી 2 આરોપીને ઝડપી પાડ્યા
વડોદરાઃ વાઘોડિયા હાલોલ રોડ પર આવેલા ભણીયારા પાસેના દીપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પર પરોઢિયે ત્રણ માસ્કધારીઓએ હવામાં ફાયરિંગ કરી પેટ્રોલ પંપ પરના કેશિયરને માર મારી 27 હજારની લૂંટ કરી હતી. વાઘોડિયા પોલીસ દ્વારા અજાણ્યા માસ્કધારી લૂંટારા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ વડોદરા નજીક ખાદ્યતેલ લઇને જતું ટેન્કર પલ્ટી, લોકોએ કરી તેલની લૂંટ
બીજા બે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરાઇ
આ દરમિયાન વડોદરા ગ્રામ્ય જિલ્લા LCB અને SOG પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલ્યો છે. આ ગુનામાં સંડોવાયેલા ઉત્તર પ્રદેશની કુખ્યાત ગેંગના બે શખ્સોને ઝડપી પાડયા છે. જ્યારે હજુ બે વોન્ટેડ આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
સવારના 5:30 વાગે ત્રણ લૂંટારુઓ મોઢે માસ્ક બાંધી પેટ્રોલ પંપની ઓફિસમાં આવ્યા હતા
ત્રણ મહિના અગાઉ હાલોલ-વડોદરાના ભણીયારા પાસે આવેલા દિપ મંગલ ઇન્ડિયન પેટ્રોલ પંપ પર કેશિયર તરીકે ફરજ બજાવતા પ્રકાશભાઈ મફતભાઈ પરમાર, પોતાના પેટ્રોલપંપ પર પેટ્રોલ ડિઝલ ભરનારા ત્રણ લોકો સાથે નાઈટ શિફ્ટમાં ફરજ પર હતા. ત્યારે રાત્રિ દરમિયાન પેટ્રોલ-ડિઝલ ભરાવવા આવતી ગાડીઓ ઓછી આવતી હોવાથી, કામ પતાવી ત્રણે પેટ્રોલ પંપની ઓફિસના બાંકડા પર બેસતા હતા. સવારના આશરે 5:30 વાગે અચાનક ત્રણ લૂંટારુઓ મોઢે માસ્ક બાંધી પેટ્રોલ પંપની ઓફિસમાં આવી ચઢ્યા હતા.
ઓફિસના પાછળના દરવાજેથી કિરણ, અરવિંદ અને રાજદીપ જીવ બચાવી ભાગ્યા હતા
આરોપીઓના હાથમાં તમંચા જેવું હથિયાર બતાવી હિન્દી ભાષામાં ધમકાવી ‘પૈસે નિકાલ ઔર ચાવી દે’ તેવું કહેતા પેટ્રોલ પંપની ઓફિસમાં બાંકડા પર બેઠેલા કિરણ, અરવિંદ અને રાજદીપ ઓફિસના પાછળના દરવાજેથી બહાર નીકળી જીવ બચાવી ભાગ્યા હતા. જેથી બે લૂંટારુ તેમની પાછળ દોડ્યા હતા અને થોડી જ વારમાં તમંચાથી હવામાં ફાયરિંગ કરીને ભાગેલા કર્મચારીઓને ઓફિસમાં પરત લાવ્યા હતા.
બાઈક બે કિલોમીટર દૂરથી મળી આવી હતી
પ્રકાશભાઈ કેશિયરને બે લૂંટારુએ પકડી રાખી એક લૂંટારુએ પ્લાસ્ટિકની પાઇપ વડે પીઠના ભાગે માર મારવાનો શરૂ કર્યો હતો. તમંચાની અણીએ ઓફિસના ટેબલના ડ્રોઅરમાં મુકેલા રોકડ 27 હજાર લૂંટી લીધા હતા. બાઈક પર ત્રણેય શખ્સ બેસી જરોદ-હાલોલ રોડ પર ભાગી ગયા હતા. જે બાઈક બે કિલોમીટર દૂરથી મળી આવી હતી.
તમામ હોટલ, પેટ્રોલ પંપ અને ટોલનાકાનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું
વડોદરા ગ્રામ્ય જિલ્લા LCB અને SOG પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું અને અલીરાજપુરથી ઉત્તર પ્રદેશ સુધીના હાઇવે પર આવતી તમામ હોટલ, પેટ્રોલ પંપ અને ટોલનાકાનું સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ગોલ્ડન ચોકડી પર લાગેલા સીસીટીવી કેમેરામાં ઉત્તર પ્રદેશના પાર્સિંગ વાળી શંકાસ્પદ ઇન્ડિકા કાર જણાઇ આવી હતી.
કામરેજ એસટી ડેપો પાસેથી બાઇકની ચોરી કરી ઘટનાને અંજામ આપ્યો
પોલીસે તપાસ હાથ ધરતા કાર ઉત્તર પ્રદેશના કુખ્યાત આરોપી ચંદ્રપ્રકાશ સરજુ પ્રસાદ પરમારની હોવાનુ બહાર આવ્યું હતું. પોલીસે ચંદ્રપ્રકાશ અને તેના મિત્ર અતુલ કુમાર વર્માને ઝડપી પાડી સઘન પુછતાછ હાથ ધરતાં કબૂલાત કરી હતી કે, અન્ય મિત્ર અજય કુમાર પટેલ અને ધનરાજ લોધી સાથે ભેગા મળી કામરેજ એસટી ડેપો પાસેથી બાઇકની ચોરી કરી ઘટનાને અંજામ આપ્યો હતો.
આ પણ વાંચોઃ મેઘપર ગામની સીમમાં તોડફોડ કરીને છરીની અણીએ લૂંટ ચલાવનારા આરોપીઓ ઝડપાયા
બે મોબાઇલ ફોન, રોકડા રૂપિયા 2,240 અને ઇન્ડિકા કાર કબજે કરી
પોલીસે આરોપીઓ પાસેથી બે મોબાઇલ ફોન, રોકડા રૂપિયા 2,240 અને ઇન્ડિકા કાર કબજે કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આરોપીઓ વિરુદ્ધ લૂંટ, હત્યા, દુષ્કર્મ મારામારી સહિતના અસંખ્ય ગુના નોંધાયેલા છે.