- વડોદરામાં રસીકરણના આંકડાનું મિસ મેનેજમેન્ટ છતું થયું
- પાલિકાને રિજનલ ડેપ્યુટી ડાયરેક્ટરે આપેલી રસીનો આંક 11.64 લાખ
- કેન્દ્રના પોર્ટલનો પાલિકાએ જાહેર કરેલો આંકડો 14.06 લાખ દર્શાવ્યો
- એક વાયલમાં 10 ડોઝ હોય છે પરંતુ તેમાંથી 11 કે 12 ડોઝ આપી શકાય
વડોદરા: કોરોનાથી રક્ષણ આપતી રસી આપવા માટે સરકાર દ્વારા વધુમાં વધુ લોકોનું રસીકરણ થાય તે સંદર્ભે પૂરજોશમાં રસીકરણ (vaccination) ચાલી રહ્યું છે. રાજ્યમાં 88 ટકા વેક્સિનેશન (vaccination) સાથે મોટા શહેરોમાં નંબર 1 પર રહેલા વડોદરાના રસીકરણના આંકડાનું મિસ મેનેજમેન્ટ (mismanagement) છતુ થયું છે. પાલિકા રસી લેનારના આંકડા જાહેર કરે છે પરંતુ રસીના વેસ્ટેજના નહીં. પાલિકા દ્વારા દલીલ કરાય છે કે, એક વાયલમાં 10 ડોઝ હોય છે પરંતુ તેમાંથી 11 કે 12 ડોઝ આપી શકાય છે. જેને પગલે મળેલી રસી કરતાં વધુ ડોઝ થાય છે. તેમ છતાં પાલિકાએ જ જાહેર કરેલા બંને આંકડામાં તફાવત છે. પાલિકાના ચોપડે નોંધાયેલા આંકડા મુજબ કુલ 13,83,913 લોકોને શનિવાર સુધી રસી આપવામાં આવી છે. જ્યારે પોર્ટલ મુજબ પાલિકા કહે છે, 14,06,690 લોકોને રસી મૂકાઇ છે, જે 22,777નો તફાવત દર્શાવે છે. આ મુદ્દે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ( deputy municipal commissioner) સુધીર પટેલ દ્વારા આ પ્રમાણે જણાવવામાં આવ્યું હતું.
આ મુદ્દે વિપક્ષી નેતા અમી રાવતે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા કોર્પોરેશનને જેટલા રસીનો ડોઝ આપવામાં આવ્યા હતા તેના કરતા 20થી 21 ટકા રસી વધારે મૂકવામાં આવી છે તેવું પાલિકાના ચોપડે બતાવવામાં આવ્યું છે. માટે પાલિકા તંત્ર દ્વારા કોરોના રસીકરણ (corona vaccination) મુદ્દેના આંકડામાં મોટું માયાજાળ કરવામાં આવ્યું છે તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. રસીમાં નંબર 1 બનવાની હોડમાં પાલિકા આંકડાનું મેનેજમેન્ટ ભૂલી છે. વડોદરામાં સરકારે આપ્યા 11.64 લાખ ડોઝ, પાલિકાએ મૂક્યા 14.06 લાખ ડોઝ. અમી રાવતે કોર્પોરેશન પર આંકડાની માયાજાળનો આક્ષેપ લગાવ્યો હતો.