- પત્નીએ એક વિશેષ માગ સાથે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા
- IVF પદ્ધતિથી બેબી ઈમ્પલાન્ટ કરવા માટે કરી હતી અરજી
- હાઈકોર્ટે માત્ર 7 મિનીટમાં પત્નીની તરફેણમાં આપ્યો હતો નિર્ણય
વડોદરા : શહેરના એક મહિલાના પતિની લગ્નના 8 મહિનામાં જ કોરોનાને કારણે ઘણી ગંભીર પરિસ્થિતિ થઈ હતી. મલ્ટીપલ ઓર્ગન ફેઇલ થવાને કારણે તેમના બચવાની આશા નહિવત છે. આ વચ્ચે પત્નીએ IVF ના માધ્યમથી બાળક રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. પતિ સભાન અવસ્થામાં ન હોવાથી ડોક્ટરોએ હાઈકોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. હાઈકોર્ટે પણ માત્ર 7 મિનીટની સુનવણીમાં પતિના સ્પર્મ કલેક્ટ કરવા મંજૂરી આપી હતી. જ્યારબાદ શહેરની ખાનગી હોસ્પિટલમાં પતિના સ્પર્મ કલેક્ટ કરવામાં આવ્યા હતા. જેને આગામી સુનવણી સુધી પ્રિઝર્વ કરવામાં આવશે.
બેભાન અવસ્થામાં દર્દીના સ્પર્મ મેળવવા મેડીકલ ક્ષેત્ર માટે પડકાર
આ કિસ્સામાં પતિ બેભાન અવસ્થામાં હોવાથી અને તેના મલ્ટીપલ ઓર્ગન ફેઈલ હોવાથી તેના સ્પર્મ મેળવવા ખૂબ જ મુશ્કેલ હતા. જેના માટે વડોદરાની ખાનગી હોસ્પિટલ દ્વારા તબીબી નિષ્ણાતો અને લીગલ ટીમના અભિપ્રાય બાદ સ્પર્મ લેવામાં આવ્યા હતા. આ પ્રક્રિયામાં કુલ 7 તબીબો અને ટીમ જોડાઈ હતી.
શા માટે મુદ્દો હાઈકોર્ટમાં ગયો હતો ?
IVF પદ્ધતિથી બાળક રાખવા માટે પતિ અને પત્ની એમ બન્નેની લેખિત સંમતિ જરૂરી હોય છે. આ કિસ્સામાં પત્ની પોતાની લેખિત સંમતિ આપી શકે તેમ હતી, પરંતુ પતિની અત્યંત નાજુક અવસ્થાને કારણે તે સભાન અવસ્થામાં ન હતા. જેના કારણે તે સંમતિ આપી શકે તે હતા. જેથી મૂંઝવણ દૂર કરવા માટે ડોક્ટર્સ દ્વારા હાઈકોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. હાઈકોર્ટે સ્પર્મ કલેક્ટ કરવાની મંજૂરી આપી હતી, પરંતુ આગામી સુનવણી સુધી તેને પ્લાન્ટ નહિ કરવાની સૂચના આપી છે.