- સાવલી પંથકમાં તૌકતે વાવાઝોડાની અસર વર્તાઈ
- વરસાદને કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન
- કમલપુરા ગામના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા
વડોદરાઃ સમગ્ર રાજ્યમાં બે દિવસથી તૌકતે વાવાઝોડાએ પ્રકોપ મચાવ્યો છે. જેને કારણે સામાન્ય જનજીવન પણ ખોરવાયુ છે. વડોદરા જિલ્લાના સાવલી પંથકમાં પણ અસર જોવા મળી હતી. સતત 2 દિવસ તેજ પવન સાથે થયેલા વરસાદને કારણે અનેક રોડરસ્તાઓને નુકસાન તથા ખેતરોના વૃક્ષ પડી ગયા હતાં. તેમજ નીચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયાં હતાં. તૌકતે વાવાઝોડાના પવન સાથે વરસેલા વરસાદે જગતનો તાત કહેવાતાં ખેડૂતના ઉનાળુ પાકની ખેતીને ખુબ જ વ્યાપક નુકસાન થયું છે.
![વરસાદને કારણે ખેતીના પાકમાં વ્યાપક નુકસાન](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11830738_thu.jpg)
આ પણ વાંચોઃ સૌરાષ્ટ્રમાં કેરીનો 80ટકા પાક બગડતા ખેડૂતો ચિંતામાં મૂકાયા
પાકને નુકસાન
સાવલી તાલુકાના કમલપુરા ગામ પાસે આવેલા ખેતરોમાં ઉનાળુ પાક જેમાં બાજરી, તલ અને મગની ખેતીમાં ખુબજ નુકસાન થયું છે. ઉનાળુ પાકની ખેતી ભર ઉનાળાના તાપની ગરમીમાં ખેડૂત આશા રાખતો હોય છે કે ઉનાળુ પાક તૈયાર કરી માર્કેટમાં વેચીને ચોમાસાની મુખ્ય ખેતીખર્ચમાં મજૂરની મજૂરી, ખાતર, દવા, બિયારણ ખરીદી તૈયારી કરી શકે. કમલપુરા અને આજુબાજુના રામપુરા, ધનતેજ, વડિયા, વસનપુરા જેવાં અનેક ગામોના ખેતરોમાં ઉનાળુ પાકની ખેતીમાં મુખ્ય મગનું વાવેતર કરાય છે.
આ પણ વાંચોઃ "તૌકતે"સર્જી ભારે તારાજી, ગીર સોમનાથ જિલ્લામાં 10 લોકોના મોત
પાકના નુકસાનનું વળતર સમયસર તથા પાકના ભાવને ધ્યાને રાખી ચૂકવાય તેવી માગ
અન્ય ઉનાળુ પાકમાં બાજરી અને તલની ખેતી કરવામાં આવે છે પરંતુ આ વર્ષે તૌકતે ચક્રવાતના કમોસમી વરસાદના કારણે તમામ ઉનાળુ પાકની ખેતીને વ્યાપક નુકસાન થવા પામ્યું હતું. ખેતરોમાં તૈયાર થયેલ મગ ખેતરમાં જ પલળીને ઊગી નીકળ્યા છે.ખેતરોમાં તૈયાર પાક બરબાદ થયો છે. જેના કારણે કમલપુરા પંથકના ખેડૂતો દ્વારા પાકમાં થયેલા નુકસાનના વળતર માટે મુખ્યપ્રધાન પાસે આશા રાખી ઉનાળુ ખેતીપાકના નુકસાનનું વળતર સમયસર અને મહામહેનતે પકવેલા પાકના ભાવને ધ્યાને રાખી ચૂકવાય તેવી માગ ખેડૂતોએ કરી હતી.