- ફાયર સેફટીની ટીમે વડોદરામાં કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી
- રાજ્યમાં કોવિડ હોસ્પિટલોમાં આગના બનાવ બાદ સરકાર જાગી
- ખાનગી અને સરકારી હોસ્પિટલમાં સામે આવ્યા હતા આગના બનાવો
વડોદરાઃ રાજ્યની અનેક હોસ્પિટલમાં આગની ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા ફાયર એન્ડ સેફટી ઓડિટ કમિટીની રચના કરવામાં આવી હતી. રાજ્યમાં કોવિડ હોસ્પિટલમાં અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા છે, ત્યારે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર પોલીસ, આરોગ્ય, ફાયર, ઈલેક્ટ્રીક વિભાગ મળીને ફાયર એન્ડ સેફટી ઓડિટ કમિટીની રચના કરવામાં આવી છે.
વડોદરામાં 77 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીનું કરાશે ચેકીંગ
કોવિડ હોસ્પિટલમાં પૂરતી ફાયર સેફટીના સાધનો ઉપકરણો હોય તેનું નિરીક્ષણ કરવામાં આવશે. રાજકોટ, સુરત બાદ હવે વડોદરામાં પણ કોવિડ હોસ્પિટલોમાં ફાયર ઓફિસર એમ.એફ.દસ્તુરે મુલાકાત લઈ તપાસ શરૂ કરી હતી. વડોદરા શહેરમાં મંગળવારના રોજ 77 કોવિડ હોસ્પિટલમાં ફાયર સેફટીનું ચેકીંગ કરાશે.
ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનારી હોસ્પિટલોની કોવિડ પરવાનગી થઈ શકે છે રદ્દ
ફાયર, આરોગ્ય, પોલીસ અને ઇલેક્ટ્રિક વિભાગની મળી સંયુક્ત કમિટી સરકારે બનાવી છે, જે હોસ્પિટલમાં નિરીક્ષણ કરીને રાજ્ય સરકારને રિપોર્ટ સબમિટ કરશે. હોસ્પિટલમાં આગ લાગે ત્યારે કેવા પ્રકાર ની તકેદારી રાખવી, ફાયર સેફ્ટી માટેના સાધનો કેવી રીતે વાપરવા તે તમામ માહિતી હોસ્પિટલ સ્ટાફને કમિટીએ આપી હતી. અમદાવાદ ફાયર વિભાગના ચીફ ઓફિસર એમ.એફ. દસ્તુરની અધ્યક્ષતામાં કમિટી તપાસ કરી રહી છે. ફાયર સેફ્ટીના નિયમોનું પાલન નહીં કરનારી હોસ્પિટલોની કોવિડ પરવાનગી રદ્દ કરવા સુધીની કાર્યવાહી કરવાના સંકેત કમિટીએ આપ્યા છે.