વડોદરાઃ જિલ્લાના બોડેલી પંથકમાં વરસાદ સાથે વાવાઝોડુ ફૂકાતા સેંકડો વૃક્ષો ધરાશહી થયા જેને લઈ કેટલાક વાહનો પર વૃક્ષો પડવાથી દબાઈ ગયા જેમાં એક ઈકો કાર ચાલક દબાઈ જતાં ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
જ્યારે ઈકો કારમાં સવાર પરિવારનો આબાદ બચાવ થયો હતો. બપોરના સમયગાળા દરમિયાન વરસાદ સાથે વાવાઝોડું ફૂકાતા બોડેલીના સાલપુરા ગામ પાસે અનેક વૃક્ષો ધરાશયી થયા જેમાં કેટલાક વાહનો દબાઈ ગયા હતા. વડોદરાથી બોડેલી ઈકકો લઈને અંગત કામે ગયેલા પરિવારની ઈકકો ગાડી પર અચાનક વૃક્ષ પડતાં કારની આગળના ભાગનો ખુરદો બોલાઈ ગયો હતો. જેમાં કારના આગળના ભાગે વૃક્ષ પડતાં કાર ચાલક હરિસ વાઘેલા દબાઈ ગયો હતો. સેંકડોની સંખ્યામાં વૃક્ષો ધરાશયી થતાં ત્રણ 108 બોડેલી મામલતદાર ગોપાલ હરદાસ, બોડેલી PSI એ.એસ.સરવૈયા તેમજ વન વિભાગ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઈકકો કાર પર પડેલા મોટા વૃક્ષને હટાવવાની રેસક્યૂ કામગીરી હાથ ધરી ચાલકને બહાર કાઢ્યો હતો. પરંતુ કાર ચાલક હરીસ વાઘેલાને ગંભીર ઇજાઓ પહોંચતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.
અલબત્ત વાવાઝોડાને પગલે અનેક વૃક્ષો ધરાશયી થતાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. વાહનોની લાંબી કતારો લાગી હતી, ટ્રાફિકને બોડેલીથી કેનાલ વાળા રસ્તા પર ડાઇવર્ટ કરી દેવાયો હતો. ત્યાર બાદ જેસીબીથી વૃક્ષો હટાવી રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.