વડોદરાઃ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પક્ષ પલ્ટો કરી ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. જેને પગલે રાજ્યમાં 8 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાનાર છે. આગામી 5 નવેમ્બરના રોજ પેટા ચૂંટણી માટે મતદાન થશે, ત્યારે 16 ઓક્ટોબરે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. જેથી રવિવારે ભાજપે તેના સાત ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં મહદઅંશે કોંગ્રેસમાંથી ભાજપનો ખેસ ધારણ કરનારા ધારાસભ્યોને ટિકિટ અપાઈ છે.
ભાજપે જાહેર કરેલાં 8 ધારાસભ્યો પૈકી મોરબીથી બ્રિજેશ મેજા, કપરાડાથી જીતુ ચૌધરી, અપડાસાથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ધારીથી જે.પી.કાકડીયા, ડાંગથી વિજય પટેલ, ગઢડાથી આત્મરામ પરમારને ટિકિટ અપાઈ છે. જ્યારે કરજણ બેઠક પરથી અપેક્ષા અનુસાર ભાજપે ગત ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ નિશાડિયાને ઘર ભેગા કરનારા અક્ષય પટેલને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં પંજાના ચિન્હ પર ચૂંટણી જીતનારા અક્ષય પટેલ આ વખતે ભાજપના કમળ નિશાન પર ચૂંટણી લડી રહ્યા છે.
કરજણમાંથી અક્ષય પટેલની ટિકિટ પાકી થતાં જ સમર્થકોમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. કરજણ બેઠક પર અક્ષય પટેલ સામે કોંગ્રેસ કોને મેદાનમાં ઉતારશે તે હજુ નક્કી નથી.
કોંગ્રેસમાં દાવેદારોનું લિસ્ટ લાબું છે. લગભગ સાત દાવેદારો ટિકિટ માટે દાવો કરી રહ્યા છે, ત્યારે કોંગ્રેસમાં ટિકિટને લઇને કકળાટ થાય તેવા ભણકારા વચ્ચે અક્ષય પટેલના નામની ભાજપની જાહેરાત સાથે ભાજપે કરજણ બેઠકમાં મજબૂત રીતે ચૂંટણી લડવાનો સંદેશો આપી દીધો છે.
અક્ષય પટેલે છેલ્લાં ઘણાં દિવસોથી ચૂંટણી પ્રચાર પણ વેગીલો કર્યો હતો. હવે ભાજપના વિધિવત ઉમેદવાર તરીકે અક્ષય પટેલનું નામ જાહેર થઈ જતાં ચૂંટણી પ્રચાર પણ જોરશોરથી આગળ વધશે. 8 પેટા ચૂંટણી પૈકી કરજણ બેઠકનો જંગ ખૂબ જ રસાકસી ભર્યો બને તેમ મનાઈ રહ્યું છે.