- GEBના નિવૃત કર્મચારીઓએ પડતર પ્રશ્નો અંગે આવેદનપત્ર આપ્યું
- પેન્શન નહીં મળતું હોવાથી થઈ રહી છે હાલાકી
- પૈસાના અભાવે તબીબી સારવાર પણ લઈ શકતા નથી
વડોદરા: GEB રિટાયર્ડ એપ્લોય વેલ્ફેર એસોસિએશન દ્વારા ગુજરાત વિદ્યુત બોર્ડ અને હાલના ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ અને તેને સંલગ્ન કંપનીઓમાંથી નિવૃત થયેલા કર્મચારીઓના 'માં કાર્ડ' અને ઉદભવતા પ્રશ્નોના નિરાકરણ હેતુ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
પેન્શન મેળવવા કર્મચારીઓની માગ
નિવૃત્ત કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપતા જણાવ્યું કે, કર્મચારીઓને માસિક રૂપિયા 500થી 3000 સુધીનું જ પેન્શન મળતું હોવાથી આ મોંઘવારીમાં પૈસાના અભાવે ઘણીવાર જરૂરી તબીબી સારવાર પણ લઈ શકતા નથી અને ઘણા કર્મચારીઓના આ કારણે મૃત્યુ પણ થયા છે. આમ 35-40 વર્ષની નોકરી કાર્ય બાદ પણ કર્મચારી લાચાર અને અસહાય બની ગયા છે.
સિનિયર સિટીઝન્સની તક્લીફ ઓછી થાય માટે કરી રજૂઆત
ભારત સરકારની 'માં કાર્ડ' યોજનાના લાભ માટે આવકનું પ્રમાણપત્ર જરૂરી છે. આ પ્રમાણપત્ર તલાટી પાસેથી લેવું પડતું હોય છે. કર્મચારીઓને ન્યુનતમ પેન્શન બેંક દ્વારા મળે છે અને તે બાબતે નિયમ મુજબ રેગ્યુલર ઈન્કમ ટેક્સ રિટર્ન પણ ફાઈલ કરીએ છીએ. આ ઈન્કમ ટેકસ રિટર્નમાં વાર્ષિક આવક દર્શાવેલી હોય જ છે. જેથી નમ્ર વિનંતી સહ નિવેદન કે આ ઈન્કમ ટેક્સ રિટર્નને જ અમારી આવકનું સર્ટિફિકેટ ગણવામાં આવે જેથી અમે આ વૃદ્ધ ઉમરે તલાટી કે અન્ય ઓફીસના ધક્કા ખાવાથી બચી શકીએ. માં કાર્ડ માટે તલાટી કમ મંત્રી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવાને બદલે અમારા વાર્ષિક ઈન્કમ ટેક્સ રિટર્નમાં દર્શાવલી આવકને માં કાર્ડ માટે અધિકૃત રીતે ગ્રાહ્ય રાખવું જોઈએ તેમજ માં કાર્ડ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે તે વહીવટી કચેરીએથી જ ઉપલબ્ધ થાય જેથી 60 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન્સની તક્લીફ ઓછી થાય.