- વડોદરા નજીક આવેલા ધીરજ હોસ્પિટલની ઘટના
- દર્દીને અન્ય હોસ્પિટલમાં ખસેડતી વખતે પરિવારે મચાવ્યો હોબાળો
- હોસ્પિટલના મહિલા કર્મચારીને ઈજા, પરિવારજનો દર્દીને લઈને જતા રહ્યા
વડોદરા: કોરોનાને કારણે લોકો હેબતાઈ ગયા હોય તેવા કિસ્સાઓ વારંવાર જોવા મળી રહ્યા છે. હોસ્પિટલોમાં સારવાર ન મળવાને કારણે દર્દીના સંબંધીઓ દ્વારા ડોક્ટરો પર હુમલો કરાતો હોવાની ઘટનાઓ પણ સામે આવતા તંત્ર દ્વારા સરકારી હોસ્પિટલો અને સ્મશાનગૃહો બહાર પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો છે. વડોદરા પાસે આવેલી ધીરજ હોસ્પિટલમાં પણ દર્દીના પરિવારજનો અને હોસ્પિટલના સ્ટાફ વચ્ચે ઘર્ષણનો મામલો સામે આવ્યો છે. જેમાં હોસ્પિટલના એક મહિલા કર્મચારી લોહીલુહાણ થયા હતા. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસે સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આ પણ વાંચો: કોરોના સંક્રમિત દર્દીનું મોત થયા બાદ મૃતદેહ ન અપાતા હોસ્પિટલમાં પરિજનોનો હોબાળો
દર્દીને ICUમાંથી બહાર લાવવામાં 10 મિનિટ થતા મચાવ્યો હોબાળો
વાઘોડિયા પાસે આવેલી ધીરજ હોસ્પિટલના ICUમાં દાખલ એક મહિલા દર્દીની તબિયત લથડતા પરિવારજનો અન્ય હોસ્પિટલમાં લઈ જવા ઈચ્છતા હતા. હોસ્પિટલના તંત્ર દ્વારા દર્દીને ICUમાંથી બહાર લાવવા માટે 10 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. જેને લઈને આક્રોશમાં આવેલા દર્દીના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવવાનો શરૂ કર્યો હતો. ગણતરીની મિનિટોમાં જ પરિસ્થિતિએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને હોસ્પિટલમાં રિસેપ્શનની આસપાસ તોડફોડ શરૂ કરી દીધી હતી.
આ પણ વાંચો: હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓએ હોબાળો કર્યો
ઈજાગ્રસ્ત મહિલા બેસી રહી, પરિવારજનો દર્દીને લઈને ચાલ્યા ગયા
તોડફોડ દરમિયાન રિસેપ્શન પાસે હાજર હોસ્પિટલના એક મહિલા કર્મચારી પરિવારજનોના રોષનો ભોગ બન્યા હતા. તેમને માથાના ભાગે ઈજાઓ પહોંચતા લોહી નિકળવા લાગ્યું હતું. મહિલા હોસ્પિટલમાં જ લોહીલુહાણ હાલતમાં બેસી હતી. તે દરમિયાન પરિવારજનો દર્દીને લઈને જતા રહ્યા હતા. બનાવની જાણ પોલીસને કરાતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.