વડોદરાઃ વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલા સરકારી બિલ્ડીંગમાં જુગાર રમાતો હતો. જ્યાં પોલીસે રેડ પાડતા ભાગી રહેલા યુવાનનું બિલ્ડીંગ પરથી પડતા મોત થયું હતું. જોકે પરિવારજનો આક્ષેપ કરી રહ્યાં છે કે પોલીસે માર મારતા યુવાનનું મોત થયું છે.
વડોદરા શહેરના હાથીખાના વિસ્તારમાં આવેલી ગરનાળા પોલીસ ચોકી સામે સરકારી બાંધકામમાં જુગાર રમાતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને આધારે સિટી પોલીસની ટીમે જુગારધામ પર રેડ પાડી હતી.આ રેડ દરમિયાન જુગાર રમતા દાનીશ શેખ નામનો યુવાન ધરપકડથી બચવા માટે પીવીસીની પાઈપ પકડીને ભાગવા ગયો હતો. જોકે તે નીચે ઉતરે તે પહેલા જ બિલ્ડીંગ પરથી નીચે પટકાયો હતો. જેથી તેને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલમાં સારવાર દરમિયાન દાનીશ શેખનું મૃત્યું થયું હતું. જેને લઈને મૃતકના પરિવારજનોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો. પોલીસની આ કામગીરીને લઈને સ્થાનિકોમાં પણ રોષ જોવા મળ્યો છે. મૃતકના માતા અને ભાઇએ આક્ષેપ કર્યો છે કે, PSI નિનામા સાહેબે રેડ દરમિયાન દાનિશને માથામાં અને પગમાં ડંડા માર્યા હતા, જેથી ઇજાગ્રસ્ત થયેલા દાનીશને પોલીસ સયાજી હોસ્પિટલમાં મૂકી જતી રહી હતી, ત્યારબાદ અમને ઘટનાની જાણ થતાં અમે હોસ્પિટલ દોડી ગયા, જ્યાં અમારા ગોલુનું મોત થયું.