કહેવાય છે કે શિક્ષક ને માતાપિતા પછીનો દરજ્જો આપવામાં આવે છે પરંતુ, આજ શિક્ષકો જો પોતાની જ વિદ્યાર્થીનીનું અપહરણ કરે તો શિક્ષક આલમ પરથી અનેક વાલીઓનો વિશ્વાસ ઊઠી જાય. વડોદરા શહેર નજીક આવેલા બીલ ગામ ખાતે રહેતા કશ્યપ પટેલ અને કવિતા પટેલ ટ્યુશન ક્લાસીસના સંચાલક છે. તેમના ધરની નજીકમાં રહેતા ફરીયાદીની દિકરી ત્યાં ટયુશન ભણવા જતી હતી. લગભગ 140 દિવસ પહેલા સગીરાનું ધોરણ 12નું પરીણામ સારૂ આવતાં આ દંપતી બાધા પુર્ણ કરવા માટે સગીરાને અંબાજી ખાતે લઇ ગયાં હતા. ત્યારબાદ સગીરાનો કોઇ પત્તો મળ્યો ન હતો. ત્રણ દિવસ બાદ પોતાની દિકરી અને શિક્ષકો પરત ન આવતા અને ત્રણેયના મોબાઇલ નંબર બંધ આવતાં પોતાની દિકરીનું અપહરણ થયાની ફરિયાદ સગીરાના પિતા દ્વારા માંજલપુર પોલીસ મથકે નોંધાવાય હતી.
પોલિસે અથાગ મહેનત કર્યાં બાદ પણ આરોપીઓ અને સગીરા નો કોઇ પત્તો ન મળતાં એક તબક્કે પોલિસે હત્યા, અથવા બળત્કાર થયો હોવાની દિશામાં પણ તપાસ કરી હતી. આ ત્રણેય લોકોની જાણ કરનારને યોગ્ય વળતર આપવાની જાહેરાત પણ પોલીસે કરી હતી. ત્યારે સતત પોલીસ સગીરના ધરે અને તેના પિતાના મોબાઇલ પર કોના ફોન આવે છે તેનુ ધ્યાન રાખતા હતાં. જેથી ત્રણ દિવસ પહેલા સગીરા ના ધરે લેન્ડલાઇન પર ચારથી વધુ બ્લેન્ક કોલ્સ આવ્યાં હતાં અને આ નંબરનું લોકેશન શિરડી ખાતેનું આવ્યું હતું. પોલીસે બે ટીમ શિરડી મોકલી હતી. જે લોકેશન હતું ત્યાં પોલિસે રેડ કરીને ધર ખોલતા આરોપી શિક્ષક કશ્યપ ધરે મળી આવ્યો હતો. પોલીસ ત્રણેય લોકો સાથે વડોદરા ખાતે પરત આવી હતી. હાલ આ સમગ્ર મામલે પોલીસે દંપતીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.