વડોદરાઃ ગુજરાતમાં કોઇને પાણી વિના વલખાં મારવા પડશે નહિં. તેવો ગુજરાતની સંવેદનશિલ સરકાર દ્વારા અવાર-નવાર દાવો કરવામાં આવી રહ્યું છે. પરંતુ, વાસ્તવિકતા કંઇક અલગ છે. ગુજરાતના અનેક ગામો પાણી વિના વલખાં મારી રહ્યા છે. જેમાં વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના વ્યારા જૂથ ગ્રામ પંચાયતમાં સમાવિષ્ઠ રામેશ્વર પુરા ગામના નર્મદા વિસ્થાપિતો છેલ્લા 22 વર્ષથી પાણી વિના ટટળી રહ્યા છે.
રામેશ્વર પુરા ગામના સજ્જનભાઇએ જણાવ્યું હતું કે, અમે મૂળ મધ્યપ્રદેશના વતની છે. છેલ્લા 22 વર્ષથી અમો રહીએ છે. ગામમાં 350ની વસ્તી છે. પરંતુ, 22 વર્ષ પછી પણ ગામમાં પાણીની સુવિધા નથી. ઉનાળામાં અમારે પાણી માટે વલખા મારવા પડે છે. એક વર્ષે પૂર્વે નર્મદા નિગમ દ્વારા ટાંકી બનાવવામાં આવી છે. પાણીની લાઇનો પણ નાંખવામાં આવી છે. પરંતુ, નવી ટાંકીમાં અને નવી પાણીની લાઇનોમાં પાણીનું એકપણ ટીપું આવ્યું નથી. માત્ર વાયદાઓ કરવામાં આવી રહ્યા છે. અમારું કોઇ સાંભળતું નથી. અમે પણ હવે રજૂઆતો કરીને થાકી ગયા છે.
વધુમાં જણાવ્યું કે, અમારી વસાહતનો પાણીનો પ્રશ્ન કાયમી ધોરણે હલ કરવામાં આવે તેવી અમારી માંગણી છે. ગામમાં હેડપંપ છે. પરંતુ, તે અવાર-નવાર બગડી જાય છે. અનેકવાર રજૂઆતો કર્યા પછી રીપેરીંગ કરવામાં આવે છે. હાલ ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે પાણી માટે રઝળપાટ કરવો પડે છે. અમારા પરિવારની મહિલાઓને બીજા ગામમાં 2-3 કિલો મીટર ચાલીને પાણી લેવા જવું પડે છે. પાણી વિના અમે છેલ્લા 22 વર્ષથી ટળવળી રહ્યા છે. ગામમાં પાણી આવતા પહેલાં હોજ, હવાડા, કૂવાથાળા બનાવી દેવામાં આવ્યા છે. પરંતુ, પાણી ન આવતા આજે તે પણ જર્જરીત થઇ ગયા છે. ગામલોકો તો પાણી વિના ટટળીજ રહ્યા છે. સાથે અમારા ગાય, ભેંસ જેવા પશુઓ પણ પાણી વિના તરસી રહ્યા છે.
વ્યારા ગ્રામ પંચાયતના સરપંચ નારણભાઇ પટેલે જણાવ્યું હતું કે, રામેશ્વર પુરા ગામ વ્યારા જૂથ ગ્રામ પંચાયતમાં આવે છે. પાણીનો પ્રશ્ન હલ કરવો મારી ફરજ છે. ગામમાં પાણીની ટાંકી બની ગઇ છે. પાણીની લાઇન પણ નખાઇ ગઇ છે. પરંતુ, કોઇક કારણસર કામ અટકી ગયું છે. ગામમાં હેન્ડ પંપની સુવિધા કરી આપી છે. ગામનો પાણીનો પ્રશ્ન વહેલીતકે હલ થાય તે માટે મારા પ્રયાસો ચાલુ છે.
નર્મદા નિગમના ડેપ્યુટી એન્જિનીયર એ.કે. શાહે જણાવ્યું હતું કે, નર્મદા વિસ્થાપિત વસાહતમાં અમારી કામગીરી વસાહતને પાણી મળે છે કે નહિં તે જોવાની છે. રામેશ્વર પુરા ગામમાં હાલમાં પાણી મળી રહ્યું છે. ટાંકી બનાવવાનું, પાણીની લાઇન વિગેરે કામ ગુજરાત પાણી પુરવઠા બોર્ડનું છે. જો ગામમાં પાણીની સમસ્યા હશે તો તપાસ કરીને વહેલી તકે હલ કરીશું.