વડોદરા: વૈશ્વિક મહામારી કોરોના દરમિયાન જાહેર કરવામાં આવેલા લોકડાઉન બાદ શનિવારે વડોદરા જિલ્લા પંચાયત ખાતે ખાસ સાવચેતી સાથે સામાન્ય સભા મળી હતી. સભાખંડને સેનેટાઇઝ કર્યા બાદ તમામ સભ્યોને પણ સેનેટાઇઝ અને થર્મલ સ્ક્રીનિંગ બાદ જ પ્રવેશ આપવામાં આવ્યો હતો. સભાની શરૂઆતમાંજ બે સભ્યોની રજા મંજૂર કરવામાં આવી હતી. જેમાં કોંગ્રેસના એક વિવાદાસ્પદ સભ્યની રજા પણ ચર્ચામાં રહી હતી.
સરકારી પુરવઠો સગેવગે કરવાના ગુનામાં ભાગેડું કોંગ્રેસના સભ્યએ સામાજિક કારણો રજૂ કરીને રજા મંજૂર કરાવતા સમગ્ર સભામાં આશ્ચર્ય સાથે ચર્ચાનો વિષય બન્યો હતો. આ સભા જિલ્લા પંચાયતના પ્રમુખ ઈલાબેન ચૌહાણની અધ્યક્ષતામાં મળી હતી. જેમાં DDO કિરણ ઝવેરી અને ઉપપ્રમુખ મુબારક પટેલના સહિત સભ્યો હાજર રહ્યા હતા. સભામાં તમામ સભ્યો અને ઉપપ્રમુખ એમ.આઈ.પટેલે DDO કિરણ ઝવેરીની કોરોના અંગેની કામગીરીને બિરદાવી સન્માન કર્યું હતું.
આ ઉપરાંત સ્વાસ્થ્ય વિભાગ તથા પત્રકારોની કામગીરીને પણ સરાહનીય ગણાવી સન્માન કર્યું હતું. સભામાં વિપક્ષના સભ્ય અર્જુન પઢીયારે કોરોનાને કારણે તકલીફમાં મૂકાયેલા ખેડૂતોના ઘરવેરા અને મહેસૂલ વેરો માફ કરવાની માગ કરી હતી. વિપક્ષ નેતાની માગમાં પ્રમુખ ઈલાબેને પણ સૂર પુરાવી વેરા માફીની માગને આવકારી આગળ રજૂઆત કરવાની ખાતરી સાથે આવનારી સભામાં મૂકાશે તેવી હૈયાધારણા પણ પૂરી પાડી હતી. જો કે, વિપક્ષ અને સત્તાપક્ષના વિચારો જુદા-જુદા હોવાથી માફીના મુદ્દે બંને પક્ષનું વલણ પણ ભિન્ન છે. ત્યારે પ્રમુખના નિવેદનથી સભામાં આશ્ચર્ય ઉભુ થયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર સભામાં કોરોનાનો મુદ્દો ખાસ ચર્ચામાં રહ્યો હતો.
એક તરફ સભ્યોએ DDO અને સ્વાસ્થ્ય વિભાગનું સન્માન કર્યું હતું. તો સભાના સભ્યો પૈકીના પન્ના બેન ભટ્ટે સ્વાસ્થ્ય વિભાગની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા.