વડોદરા: રાજ્ય ભરમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવ્યો છે. વડોદરા (Omicron in Vadodara )માં જ આજે ઓમિક્રોનના 7 કેસ પોઝિટિવ નોંધાયા છે. તો રાજ્યમાં ઓમિક્રોનના કુલ પોઝિટિવ કેસનો આંક 30 પર પહોંચ્યો છે. જેમાં માત્ર વડોદરામાં જ 10 કેસ નોંધાયા છે.
તમામ પરિવારજનો ઓમિક્રોન પોઝિટિવ
વડોદરામાં નોનરિસ્ક કન્ટ્રી નોર્થ ઝાંબિયાથી આવેલા દંપતી ઓમિક્રોન પોઝિટિવ આવ્યા હતા. જે બાદ તમામ પરિવારજનોના સંપર્કમાં આવેલા વ્યક્તિઓના ઓમિક્રોન ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા. જેમાં આખા પરિવારના ઓમિક્રોનના રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્રમાં ફફડાટ વ્યાપ્યો છે. આરોગ્ય વિભાગે હાલ તેમને હોમ આઇસોલેટ કર્યા છે. જો જરૂર પડશે તો હોસ્પિટલાઈઝ કરશે.
ત્રણ બાળકો પણ ઓમિક્રોન પોઝિટિવ
પરિવારના તમામ સદસ્યોમાં 5 વર્ષની બાળકી અને 9 તથા 11 વર્ષના બાળકનો પણ ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તો સાથે-સાથે 61 વર્ષીય વૃદ્ધાનો પણ ઓમિક્રોનનો રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે.
બાળકોમાં ઓમિક્રોનનો પ્રથમ કિસ્સો
વડોદરામાં અત્યાર સુધી 3 ઓમિક્રોન પોઝિટિવના કેસ આવ્યા હતા. જેમાં બે વૃદ્ધ અને એક યુવાનનો સમાવેશ થતો હતો. જોકે, આજે આવેલ 7 પોઝિટિવમાં કેસમાં ત્રણ બાળકો પોઝિટિવ આવતા આરોગ્ય વિભાગમાં ફફડાટ વ્યાપ્યો છે. જેને લઈને વડોદરા મહાનગરપાલિકામાં બંધ બારણે ઉચ્ચસ્તરીય બેઠક મળી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
રાજ્યમાં કુલ 30 કેસ
વડોદરામાં આજે ઓમિક્રોનના 7 કેસ પોઝિટિવ આવતા કુલ આંક 10 પર પહોંચ્યો છે. તો સાથે સાથે રાજ્ય (Omicron in gujarat)ની વાત કરીએ તો અમદાવાદમાં 7 કેસ પોઝિટિવ આવ્યા છે. તો આણંદમાં 3, મહેસાણામાં પણ 3 કેસ, રાજકોટમાં એક કેસ, જામનગરમાં 3 કેસ નોંધાયા છે. જેને ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. સુરતમાં પણ 2 કેસ નોંધાયા હતા. જેને પણ ડિસ્ચાર્જ આપવામાં આવ્યું છે. ગાંધીનગરમાં નોંધાયેલ એક કેસના દર્દીને ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાતમાં ઓમિક્રોનના કુલ કેસનો આંક 30 પર પહોંચ્યો છે.
રાજ્યનું આરોગ્ય વિભાગ ચિંતિત
રાજ્યમાં એકાએક ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવતા તંત્ર સજાગ બન્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગની ચિંતામાં વધારો થયો છે. તો સૂત્રો પાસેથી માહિતી મળી છે કે, દિલ્હીથી કેન્દ્ર સરકારની તબીબોની ટીમ ગુજરાતમાં સમીક્ષા માટે આવી શકે છે.
આ પણ વાંચો: Omicron અંતિમ વેરિયન્ટ ન હોઈ શકે, પરંતુ તે ચિંતાનો અંતિમ વેરિયન્ટ હોઈ શકે!
આ પણ વાંચો: Omicron Booster Shots: ટોચના વાઈરોલોજિસ્ટ કહે છે કે, ભારતમાં બુસ્ટર શોટ્સ જરૂરી હોઈ શકે