- ધારાસભ્યના આક્ષેપો પાયાવિહોણાઃ બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલ
- બરોડા ડેરીના રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે
- આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે બરોડા ડેરીની ઇમેજ ખરડાઈ છે
વડોદરા- બરોડા ડેરીમાં ગેરરીતિ અને સભાસદોનું શોષણ ચાલતું હોવાના 13 મુદ્દાઓ સાથેનો પત્ર સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે સહકારી મંત્રીને પત્ર લખતાં બરોડા ડેરીના રાજકરણમાં ખળભળાટ મચી ગયો છે.
શું કહ્યું બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે
આ આક્ષેપો મામલે સ્પષ્ટતા આપતા બરોડા ડેરીના પ્રમુખ દિનેશ પટેલે જણાવ્યું હતું કે, ધારાસભ્ય મારા મિત્ર જ છે તેઓ મને ફોન પણ કરી શકતા હતા, પરંતુ સાવલી ડેરીના ડિરેકટર કુલદીપસિંહ આગામી વિધાન સભાની ચૂંટણીમાં દાવેદારી કરવાના હોવાથી કેતન ઇનામદારના પેટમાં તેલ રેડાયું છે અને તેની દુશ્મનીની તેઓ ખોટા આક્ષેપ કરીને કાઢી રહ્યા છે. તેઓ ખુલ્લા મેદાનમાં આવે તેમને જવાબ મળશે. તેમણે તો ત્યાં સુધી કહી દીધું કે, જેને કોઈ નોલેજ ના હોય તેના આક્ષેપના જવાબ હવે નહિ આપું.
પશુ પાલકોના હિતમાં જ કામ થવું જોઈએ: કેતન ઇનામદાર
બીજી તરફ કેતન ઇનામદારનું કહેવું છે કે, બરોડા ડેરીના તમામ ડિરેક્ટરો સાવલી બેઠક પર ચૂંટણી લડે તો પણ મને વાંધો નથી. આખરે નિર્ણય જનતા કરતી હોય છે. બાકી પશુ પાલકોના હિતમાં જ કામ થવું જોઈએ એવું મારુ માનવું છે.
વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીના રાજકારણમાં બરોડા ડેરીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે
જેના કારણે સાવલીના ધારાસભ્ય આક્ષેપ કરે છે તેવો દાવો કરનાર ડેરી પ્રમુખના અંગત મિત્ર કુલદીપસિંહનું કહેવું છે કે, આ આક્ષેપ માત્ર હું ચૂંટણીમાં ઉમેદવારી ન કરું તે માટે દબાવવાના પ્રયાસ કરાઇ રહ્યા છે. કોના આક્ષેપ કે પ્રતિ આક્ષેપ કેટલા સાચા છે તે વાતને બાજુએ મૂકીએ તો એક વાત નક્કી છે કે, વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારીના રાજકારણમાં બરોડા ડેરીની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી છે.