- ભાજપની તોડફોડની નીતિ વચ્ચે વોર્ડ 8 ભાજપમાં ભડકો
- યુવા મોરચાના વોર્ડ પ્રમુખ અને સયાજીગંજ વિધાનસભાના ઈન્ચાર્જએ 80 કાર્યકરો સાથે રાજીનામું આપ્યું
- રાજકીય મોરચે ખળભળાટ મચ્યો
વડોદરાઃ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. આજરોજ વડોદરાના વોર્ડ નંબર 8 માં ભાજપા યુવા મોરચાના વોર્ડ પ્રમુખ અને સયાજીગંજ વિધાનસભાના યુવા ઈન્ચાર્જ 80 કાર્યકરો સાથે પાર્ટીમાંથી રાજીનામું આપવા ભાજપ કાર્યાલય પહોંચતા ચકચાર મચી હતી.
આરેસપી નેતા ભાજપમાં જોડાતાં અસંતુષ્ટોમાં રોષ
22 જાન્યુઆરીએ આરેસપી નેતા રાજેશ આયરે સાથી કાઉન્સિલરો અને કાર્યકર્તાઓ સાથે ભાજપમાં જોડાયા હતા. જેને કારણે કેટલાક હોદ્દેદારોમાં નારાજગી જોવા મળી છે. આજરોજ વોર્ડ 8ના ભાજપ યુવા મોરચાના વોર્ડ પ્રમુખ અને સયાજીગંજ વિધાનસભાના યુવા ઈન્ચાર્જ અજીતસિંહ સોલંકી 80 કાર્યકરો સાથે ભાજપમાંથી રાજીનામું આપી દેતા વોર્ડ 8 ભાજપમાં ભડકો થયો છે.
ભાજપ રૂપિયા વાળાને પદ અને ટિકિટ આપતી થઈ ગઈ હોવાના આક્ષેપ કર્યા
મીડિયા સાથેની વાતચીતમાં ઇલેક્શન વોર્ડ નંબર 8 ના ભાજપ યુવા મોરચાના વોર્ડ પ્રમુખ તેમજ સયાજીગંજ વિધાનસભાના યુવા ઇન્ચાર્જ અજીતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, સતત ચાર ટર્મથી ભાજપના યુવા મોરચામાંથી બોર્ડ પ્રમુખની જવાબદારી તથા હાલમાં બે વર્ષથી સયાજીગંજ વિધાનસભા યુવા ઈન્ચાર્જની જવાબદારી પણ મારી હતી. સતત 20 વર્ષથી પાર્ટી માટે ઘણું બધું યોગદાન આપ્યું છે. હાલની પરિસ્થિતિને જોતાં આજે ભારતીય જનતા પાર્ટી રૂપિયા વાળાને પદ અને ટિકિટ આપતી થઈ ગઈ છે. હાલમાં વોર્ડ નંબર 9માં રાજેશ આહિરે જેવા વ્યક્તિઓને હારની બીકથી ભાજપમાં તેમનો સમાવેશ આપવામાં આવ્યો છે. વોર્ડ નંબર 9 મારો જૂનો વોર્ડ હતો. વિભાજન થતાં 8 માં આવ્યો છું બંને વોર્ડમાં હું કાર્યકર્તા અને સયાજીગંજ વિધાનસભાનો ઇન્ચાર્જ હતો. બંને વોર્ડમાં મારી જવાબદારી હતી. હાલમાં હું વોર્ડ નંબર 8 માં સયાજીગંજ વિધાનસભા ઇન્ચાર્જ પદેથી કાર્યકર્તાઓ સાથે રાજીનામાં આપવા માટે આવ્યો હોવાનું જણાવ્યું હતું.