- 69 વર્ષીય અશોક જૈનને સાથે રાખી રવિવારે અઢી કલાક સુધી બે સ્થળે પોલીસે કર્યું રિકન્સ્ટ્રકશન
- સ્પાય કેમેરો બાબતે પોલીસે પુછતા અશોક જૈને કહ્યું કેમેરો મેં લગાડ્યો નથી
- અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં અશોક જૈનનો સીમેન ટેસ્ટ આવ્યો પોઝિટિવ
વડોદરા: હાઇ પ્રોફાઇલ રેપ કેસમાં સંડોવાયેલો અશોક જૈન 8 દિવસના પોલીસ રિમાન્ડ પર છે ત્યારે પોલીસે અશોક જૈનને આજે સાથે રાખી બનાવના બન્ને સ્થળે રિકન્સ્ટ્રકશન હાથ ધર્યું હતું. તેમજ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અશોક જૈનનો સીમેન ટેસ્ટ કરાવી જરૂરી નમૂના મેળવી પરિક્ષણ માટે મોકલી દેવામાં આવ્યાં હતા.
બન્ને ફ્લેટમાં કરવામાં આવ્યું રિકન્સ્ટ્રકશન
પોલીસે દુષ્કર્મ કેસના આરોપી અશોક જૈનને સાથે રાખીને પીડિતાએ ફરીયાદમાં જણાવેલા નિસર્ગ અને હેલી ગ્રીન ફ્લેટમાં રિકનસ્ટ્રકશન હાથ ધર્યું હતું. અઢી કલાક સુધી ચાલેલી રિકનસ્ટ્રક્શનની પ્રક્રિયા દરમિયાન પંચનામું કરી પુરાવા એકત્ર કર્યા હતા. આ દરમિયાન પોલીસે અશોક જૈનની પુછપરછ કરતા તે એક જ રટણ કરી રહ્યો હતો કે, મેં શરીર સંબંધ બાંધ્યા નથી. હું ખાલી તેને મળતો હતો. પોલીસે અશોક જૈનને સ્પાય કેમેરા બાબતે પુછતાછ તેણે જણાવ્યું હતું કે સ્પાય કેમેરો મેં લગાડ્યો નથી અને તેનું મેમરી કાર્ડ પણ મારી પાસે નથી. હવે પ્રશ્નએ ઉભો થાય છે કે, રૂમમાં સ્પાય કેમેરો લગાડ્યો કોણે ? આ પ્રશ્નનો જવાબ અને મેમરી કાર્ડ શોધવા પોલીસ મથામણ કરી રહીં છે. જો કે રિકન્સ્ટ્રકશન કરતાં પહેલાં અશોક જૈનને સીમેન ટેસ્ટ માટે અમદાવાદ લાવવામાં આવ્યો હતો જ્યાં સિવિલ હોસ્પિટલ ખાતે તેના જરૂરી નમૂના લેવામાં આવ્યા હતાં જે પોઝિટિવ આવ્યો છે.
આવતીકાલે અશોક જૈનને મુંબઇ-લોનાવાલા લઇ જવાશે
ઉલ્લેખનીય છે કે અશોક જૈન સામે ફરીયાદ નોંધાઇ તે દિવસથી આરોપી ફરાર થઇ ગયો હતો.આ સમયગાળા દરમિયાન તેણે મુંબઇ, લોનાવાલા સહિત અન્ય કયા સ્થળે અશ્રય લીધો હતો. તેની પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહીં છે અને આવતીકાલે અશોક જૈનને સાથે રાખી પોલીસ મુંબઇ અને લોનવાલા જવા રવાના થશે. સમગ્ર કેસમાં પ્રથમ દિવસથી જ ચર્ચામાં રહેલો બુટેલગેર અલ્પુ સિંધીની આજે વિગતવાર પુછતાછ કરવામાં આવી. પોલીસ નિવેદનમાં અલ્પુ સિંધીએ જણાવ્યું છે કે, હું પીડિતાને ઓળખું છું. તેના માતા-પિતા અને ભાઇ વડોદરા આવ્યાં હતા ત્યારે હું તેમણે પણ મળ્યો હતો. જેથી પીડિતાએ તેની સાથે બનેલી ઘટના અંગે મને મદદ કરવા માટે જણાવ્યું હતું અને મેં તેની મદદ કરી છે. હું બુટલેગર છું અને મારી વિરૂદ્ધમાં વારસિયા અને વારણામા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબીશનના બે ગુના નોંધાયેલા છે. જેથી હું પોલીસથી બચવા માટે ભાગતો ફરતો હતો. જેથી હવે આવતીકાલે બુટલેગર અલ્પુ સિંધીને વારસિયા પોલીસને સોંપી દેવામાં આવશે.