- વડોદરા કેવડીયા 78 કિમીની રેલવે લાઈનનું કામ પૂર્ણ થયું
- વિશ્વામિત્રી ડભોઇ વચ્ચે 110 કિમીની ઝડપી ટ્રેન દોડાવવા આજે ટ્રાયલ રન
- કેવડીયા પ્રોજેક્ટ અંતર્ગત 30 કિમીના રેલવે ટ્રેકની તપાસણી કરાશે
વડોદરાઃ 14મીએ ડભોઈ ચાંદોદને બ્રોડગેજમાં રૂપાંતર કર્યા બાદ રેલવે લાઈનનું કામકાજ હાથ ધરાયું હતું. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રેલ માર્ગે જોડવા માટે વર્ષ 2018માં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વડોદરા કેવડીયા રેલ લિન્ક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું હતું. રેલવે મંત્રાલયે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સમગ્ર પ્રોજેક્ટ પર દેખરેખ રાખી હતી.
સવારે 10થી 11 વચ્ચે ટ્રેક પર અવરજવર કરવા મનાઈ ફરમાવી હતી
ડભોઈ-ચાણોદ-કેવડીયાને જોડતા ટ્રેકને લઈને કામ પૂર્ણ થતા હવે રૂ. 20 કરોડના ખર્ચે તૈયાર થયેલા કેવડીયા સ્ટેશનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે મંગળવારે વડોદરા રેલવે સ્ટેશને સવારે લીલી ઝંડી આપી ડભોઈ સુધી 110 કિમી સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. વડોદરા-ડભોઈ વચ્ચે 28 કિમીના રૂટ ઉપર તો પહેલેથી જ બ્રોડગેજ લાઈન હતી. 110 કિમી ઝડપથી સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. સવારે 10થી 11 વચ્ચે લોકો ટ્રેક વચ્ચે અવરજવર ન કરે તેવી રેલવે મંત્રાલયે ચેતવણી પણ આપી હતી. વડોદરા સ્ટેશનથી ડીઝલ એન્જિનથી ચાલતી બેટ એસી ડબ્બાઓ સાથે સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યું હતું.
વડોદરાથી કેવડીયા હાઈસ્પીડ રેલ યાત્રા ટૂંક સમયમાં ખૂલશે
કેવડીયા રેલ પ્રોજેક્ટ ડિસેમ્બરના અંત પહેલા પૂરો કરવા દિલ્હીથી આદેશ હતો. જોકે, 78 કિમીની રેલવે લાઈન ઉપર મોટા 3 અને 25 નાના બ્રિજ પૂર્ણ બાદ પ્રવાસીઓ માટે વડોદરાથી કેવડીયા હાઈસ્પીડ રેલ યાત્રા ટૂંક સમયમાં ખૂલ્લું પાડી દેવામાં આવશે અને સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા પ્રવાસીઓ માટે એક કલાકમાં વડોદરાથી કેવડીયા સુધી સફર હાઈ સ્પીડ રેલ ટ્રેક દ્વારા લાભ ઊઠાવશે.