વડોદરા: જ્યારે ગુજરાત રાજ્ય સરકાર અનલૉક-3ની ગાઈડલાઈનમાં તમામ સ્કૂલ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા તઘલખી નિર્ણય લઈ 7300 વિદ્યાર્થીઓની પ્રત્યક્ષ રીતે પરીક્ષા શરૂ કરી દેવામાં આવી છે. 7300 વિદ્યાર્થીઓના જીવના જોખમે કારેલીબાગ અનાવિલ ભવન સામે પુરુષ અધ્યાપન પાઠશાળામાં પરીક્ષા શરૂ કરતાં કેટલાય વિદ્યાર્થીનીઓનું આરોગ્ય કોરોનાને કારણે જોખમમાં આવી ગયું છે.
અંદાજે એક સપ્તાહ સુધી બી.એડ્.ની છેલ્લા વર્ષની પરીક્ષા લેવાઈ રહી છે. જ્યારે બીજી બાજુ ગુજરાત સરકારે તમામ યુનિવર્સિટીઓની ફાઇનલ વર્ષ સહિતની તમામ પરીક્ષાઓ મોકૂફ કરી છે. એટલું જ નહીં પરંતુ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પ્રત્યક્ષ રીતે પરીક્ષા યોજવા સામે પ્રસિદ્ધ કરેલા પરિપત્રના નિયમોને તોડી મરોડી શિક્ષણ વિભાગ દ્વારા પ્રત્યક્ષ રીતે પરીક્ષા લેવાની મંજૂરી આપી હોવાનું ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના સંચાલકોએ જણાવ્યું હતું.
યુનિવર્સિટી દ્વારા અગાઉ પણ ત્રણ વખત પ્રત્યક્ષ રીતે પરીક્ષા યોજવાની જાહેરાત કરી હતી, પરંતુ શિક્ષણ વિભાગે લાલ આંખ કરતા ત્રણે વખતે યુનિવર્સિટીએ પરીક્ષા મોકૂફ રાખવાની ફરજ પડી હતી. યુનિવર્સિટીએ પ્રત્યક્ષ રીતે પરીક્ષાઓ શરૂ કરતાં શિક્ષણ વિભાગ આ ગોવિંદ ગુરુ યુનિવર્સીટી સામે કેવા પગલાં લે છે, તે જોવું રહ્યું.