- GMERS હૉસ્પિટલ, ગોત્રીના બાળ સારવાર વિભાગની પ્રશંસનીય કામગીરી
- એક સાથે જન્મેલા 3 નવજાત શિશુઓેને આપ્યું નવજીવન
- સરકારી દવાખાનામાં સારી સારવાર મળે છે તેવું ઉદાહરણ પૂરું પાડ્યું
વડોદરા: સરકારી હૉસ્પિટલમાં લગભગ વિનામૂલ્યે ઉમદા સારવાર (Free treatment) ઉપલબ્ધ છે એ વાત ફરી એકવાર GMERS હૉસ્પિટલ, ગોત્રીના બાળ સારવાર વિભાગે પુરવાર કરી છે. કોરોનાકાળ (Corona Pandemic)માં પણ આ હૉસ્પિટલે શ્રેષ્ઠ ગણાય તેવી સેવાઓ અવિરત પૂરી પાડી અને તે પછી મ્યુકરના પીડિતોની પણ ઉમદા સારવાર કરી હતી.
3 શિશુઓ અને માતાને નવજીવન આપ્યું
બાળ સારવાર વિભાગ (Department of Pediatrics)માં આજે ચારેકોર આનંદની લહેર ફરી વળી હતી. તબીબો અને નર્સિંગ સ્ટાફ એ 'અન્ય ના સુખે સુખી અને બીજાના દુખે દુઃખી' થનારો સંવેદનશીલ સમુદાય છે. બાળ સારવાર વિભાગમાં આજે એક મહિનાની સઘન સારવાર પછી સાજા અને સ્વસ્થ થઈને વિદાય થયેલા, એક સાથે જન્મેલા 3 નવજાત શિશુઓ અને તેમની માતાને નવજીવન આપવાનો હરખ હતો. છોટાઉદેપુરની ખાનગી હૉસ્પિટલમાં એક માતાની કૂખે જન્મેલા 2 ભાઈ અને એક બહેનને ગંભીર ગણાય તેવી હાલતમાં જન્મના ચોથા દિવસે GMIRS હૉસ્પિટલના બાળ સારવાર વિભાગમાં સઘન સારવાર માટે લાવવામાં આવ્યા હતા.
બાળકો 8 મહિને જન્મ્યા હતા, વજન પણ ઓછું હતું
વધુ જાણકારી આપતાં રેસીડેન્ટ તબીબ ડો. મૌસમે જણાવ્યું હતુ કે, "આ બાળકો 32 સપ્તાહ એટલે કે 8 મહિને, અધૂરાં માસે જન્મ્યા હતા. 3 પૈકી એકનું વજન 1.300 બીજાનું માત્ર 900 અને ત્રીજાનું 1.100 ગ્રામ હતું, જે ખૂબ જ ઓછું ગણાય. 900 ગ્રામ વજનવાળું બાળક સૌથી ઓછું વજન હોવા છતાં સૌથી સ્વસ્થ હતું. તેને 3 દિવસ ઑક્સિજન આપ્યા પછી હાલત સારી એવી સુધરી. બાકીના બંને બાળકોની હાલત પ્રમાણમાં ઘણી નાજુક હતી.એટલે એમને શરૂઆતના 5 દિવસ તો વેન્ટિલેટર હેઠળ રાખવા પડ્યાં હતા."
ડૉક્ટરોએ બાળકોને બચાવવાનો પડકાર પાર પાડ્યો
ડૉ. મૌસમે જણાવ્યું કે, "ઓછું વજન, અધૂરાં માસે જન્મ અને મોઢા વાટે લોહી પડવા જેવી તકલીફો એમની સ્થિતિને વધુ ગંભીર બનાવતી હતી. એમને ચેપથી પણ બચાવવાના હતાં." જો કે વિભાગના વડા ડો.નિમિષાના માર્ગદર્શન હેઠળ સહ પ્રાધ્યાપક ડો. ગૌતમ, ડો. મૌસમ અને ડો. શિખરની ટીમે પોતાના જ્ઞાન અને તબીબી કુશળતાથી આ બાળકોને બચાવી લેવાના વિશ્વાસ સાથે સારવારનો પડકાર ઉપાડી લીધો. તબીબી ભાષામાં ખૂબ જટિલ ગણાય તેવી સારવાર આપી અને આ નવજાત શિશુઓને ચેપમુક્ત રાખવાની જરૂરી તમામ કાળજી લીઘી હતી. બાળકોની સાથે તેમની માતાની પણ જરૂરી મેડિકલ કેર લેવામાં આવી હતી.
સંપૂર્ણ સ્વસ્થ હાલતમાં બાળકો અને માતાને વિદાય અપાઈ
સાથે સાથે નર્સિંગ અને સહાયક સ્ટાફે પણ આ બાળકોની ખડે પગે જરૂરી તમામ કાળજી લીધી તેના પરિણામે બાળકોની હાલત ઉત્તરોતર સુધરી, ગંભીર હાલતમાંથી બહાર આવ્યા, તેમનું વજન સારું એવું વધ્યું અને આજે સંપૂર્ણ સ્વસ્થ અને તંદુરસ્ત હાલતમાં બાળકો અને માતા-પિતાને વિદાય આપવામાં આવી ત્યારે બાળ સારવાર વિભાગમાં જાણે કે હરખની હેલી ફરી વળી હતી.
વિનામૂલ્યે થઈ સારવાર
બાળકોના પિતા હાજી ભાઈએ આભાર ભીના શબ્દોમાં જણાવ્યું કે, "તબીબો અને સ્ટાફે ખૂબ ઉમદા સેવા આપી છે. મારો પરિવાર એમનો ખૂબખૂબ આભારી છે. ખાનગી હૉસ્પિટલમાં આ સારવારનો ખર્ચ લાખનો આંકડો વટાવી જાય, જ્યારે અહીં લગભગ વિનામૂલ્યે સારવાર થઈ." સરકારી દવાખાનામાં ઉમદા સારવાર મળે છે એ હકીકત ફરી એકવાર પુરવાર થઈ છે.
આ પણ વાંચો: પ્રથમ લવ જેહાદ મામલે હાઇકોર્ટમાં સુનાવણી, કોર્ટે ચુકાદો અનામત રાખ્યો
આ પણ વાંચો: Vadodara High profile Rape Caseની તપાસ હવે SIT કરશે