- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વિવાદો શરૂ
- નામો જાહેર થાય તે અગાઉ જ કાર્યકરોમાં રોષ
- નારાજ કાર્યકરો ભાજપ કાર્યાલય પહોંચતા શહેર પ્રમુખે સમજાવ્યા
વડોદરા: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ભાજપ પક્ષ દ્વારા ટૂંક સમયમાં જ ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરનાર છે. ત્યારે સંભવિત ઉમેદવારોનાં નામોની ચર્ચા અને ધારાસભ્યોએ પોતાની મનમાની ચલાવીને પોતાના લોકોને ટિકીટ અપાવી હોવાની વાત વાયુવેગે પ્રસરતા વોર્ડ નંબર 7 અને 17નાં કાર્યકરો રોષે ભરાયા હતા અને મનુભાઇ ટાવર સ્થિત ભાજપ કાર્યાલય ખાતે પહોંચીને નારાજગી વ્યક્ત કરી હતી.
શહેર ભાજપ પ્રમુખ સાથે બંધ બારણે બેઠક
ભાજપ કાર્યાલય ખાતે વોર્ડ નંબર 7 અને 17નાં કાર્યકરો મોટી સંખ્યામાં ભાજપ કાર્યાલય ખાતે પહોંચી ગયા હતા. કાર્યકરોએ જો વ્હાલા દવલાની નીતિ અપનાવવામાં આવશે તો રાજીનામું આપવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. જેને લઈને શહેર ભાજપ પ્રમુખ વિજય શાહે બંધબારણે નારાજ કાર્યકર્તાઓ સાથે મીટીંગ પણ યોજી હતી. ઉલ્લેખનીય છે કે, હજુ ઉમેદવારોનું લિસ્ટ જાહેર થયું નથી, એ અગાઉ જ ભાજપમાં ભડકો થયો છે. હવે જોવાનું એ છે કે, જ્યારે ઉમેદવારોનું લિસ્ટ જાહેર થશે ત્યારે ભાજપમાં હજુ કેટલી નારાજગી વધશે?