- બુલેટ ટ્રેન પ્રોજેકટને લઈ જમીન સંપાદન મામલે લોકોમાં નારાજગી
- સરકાર સાથે સહેમત હોવા છતાં અલ્ટીમેટમ આપતા વિવાદ
- કેટલાક રહીશોને નોટિસ ન આપી હોવા છતાં સ્વૈચ્છિક ખાલી કર્યા
વડોદરા: શહેરમાં બુલેટ ટ્રેન પ્રોજેકટ અંતર્ગત જમીન સંપાદન મામલે પંડ્યાબ્રિજ નાણાંવટીની ચાલના રહીશોને તંત્ર દ્વારા અલ્ટીમેટમ અપાતા રહીશોએ તંત્ર સામે નારાજગી દર્શાવી હતી.સરકાર સાથે સહેમત હોવા છતાં ખોટી રીતે હેરાન પરેશાન કરી રહયા હોવાના આક્ષેપ કર્યા હતા.
96 પૈકી સંમતિ કરાર ન કરનારાઓને 11 જૂન સુધીમાં કાર્યવાહી કરવા અલ્ટીમેટમ
બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જમીન સંપાદિત કરવાની કાર્યવાહી ચાલી રહી છે.ત્યારે પંડ્યાબ્રિજ નાણાંવટીની ચાલીના 96 પૈકી સંમતિ કરાર ન કરનાર 68 રહીશોને 11 જૂન સુધીમાં કરારની કાર્યવાહી પુરી કરવા અલ્ટી અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, 8.9183 ચો.મી. જમીન નેશનલ હાઈસ્પીડ રેલ્વે માટે સંપાદન કરવાની કાર્યવાહી ચાલી રહી છે. સંપાદનવાળી જમીન અધિનિયમની કલમ -26 ( એ ) હેઠળ સંમતિ કરારથી આપવામાં આવે તો નિયમોનુસાર મળવા પાત્ર રકમ ઉપરાંત 25 ટકા પ્રોત્સાહક રકમ વધારાની રકમ તરીકે આપવામાં આવે છે. જો સંપાદીત થતી જમીન સંમતિ કરારથી આપવામાં નહીં આવે તો 25 ટકા વધારાની પ્રોત્સાહક રકમ તેમજ 2011ની જંત્રી પર 17 ટકાનો ઈન્ડેક્સન ફોર્મ્યુલાનો લાભ મળવાપાત્ર થતો નથી.
સરકારને સાથ સહકાર આપવા તૈયાર, છતાંય ખોટી રીતે હેરાન કરાય છે
સ્થાનિક રહીશ મહાવીરસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, અમે નાણાવટી ચાલીમાં 70 વર્ષથી રહીએ છે. ગાયકવાડી શાસન કાળના સમયથી આ ચાલી વસાવેલી છે. અહીંના તમામ રહીશોના પોતાના દસ્તાવેજો પણ છે. હાલ અમે કચેરીમાં જઈએ છીએ ત્યાં દસ્તાવેજમાં કોઈને કોઈ ખોડ ખાપણ કાઢવામાં આવી રહી છે અને તે પ્રમાણે કોઈના દસ્તાવેજ ક્લિયર નથી. એના કારણે બધાની તારીખો આગળ પાછળ કરી છે અને તારીખ પ્રમાણે લોકોને બોલાવ્યા છે. અમારા તમામ 70 મકાનો આપવા તૈયાર છે. જેમાંથી 23 લોકોને 80 ટકા વળતર ચૂકવાઈ ગયું છે. આ માટે કોઈનો વિરોધ નથી પરંતુ ખોટી રીતે અલ્ટીમેટમ આપી ભડકાવી રહ્યા છે. જેના દસ્તાવેજોમાં તકલીફ છે. તેના કારણે બીજા લોકોને તકલીફ ન પડે ઉપરાંત અમારા દસ્તાવેજોને લગતી સમસ્યા દૂર કરવામાં આવે તેવી અમારી માગ છે.