- વડોદરા જિલ્લામાં છઠ્ઠ પૂજાની કરાઈ ઉજવણી
- નંદેસરીના ઉતરભારતીય પરિવારે પરંપરા અનુસાર છઠ્ઠ પૂજા કરી
- કોરોનાને લઈ નદી-તળાવો પર પ્રતિબંધ, કૃત્રિમ તળાવ બનાવાયું
વડોદરા: પરંપરા મુજબ આ દિવસે પરિણીત મહિલાઓ અને પુરુષો વ્રત રાખે છે અને સાંજે નદી કે તળાવ કિનારે સૂર્યની પૂજા કરે છે.વડોદરા નજીક મહીસાગર નદીના કિનારે અને શહેરમાં આવેલા વિવિધ તળાવ નજીક છઠ્ઠ પૂજાનું આયોજન કરવામાં આવતું હોય છે. આ વર્ષે કોરોનાનું ગ્રહણ લાગ્યું છે માટે તંત્ર દ્વારા જાહેર ઉજળણી પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.જેના પગલે વડોદરા શહેર અને જિલ્લામાં રહેતા ઉત્તર ભારતીય પરિવારે ઘરમાં જ છઠ્ઠ પૂજાની ઉજવણી કરી હતી.
ધન ધાન્યની પ્રાપ્તિ, સંતાન પ્રાપ્તિને માટે પણ આ પૂજાનું ખાસ મહત્વ
છઠના તહેવારમાં ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના કરવામાં આવે છે.આ દિવસે ડૂબતા અને ઉગતા સૂર્યને અર્ધ્ય આપવાનો રિવાજ છે.પૌરાણિક માન્યતા અનુસાર છઠ સૂર્યદેવની બહેન છે અને સૂર્યોપાસના કરવાથી છઠ માતા પ્રસન્ન થઈને ઘરમાં સુખ શાંતિ અને ધન ધાન્યના આર્શિવાદ આપે છે.ભગવાન ભાસ્કરની આરાધનાનું પર્વ વર્ષમાં 2 વાર મનાવવામાં આવે છે.ચૈત્ર શુક્લની ષષ્ઠી અને કાર્તિક શુક્લની ષષ્ઠી.ચૈત્ર મહિનાની છઠ ઘણા ઓછા લોકો કરે છે.પણ કાર્તિક શુક્લ છઠને તહેવારના સ્વરૂપે ઉજવવામા આવે છે.કેટલીક જગ્યાઓએ આ પૂજા 4 દિવસ સુધી પણ ચાલે છે.છઠ પૂજા ખાસ કરીને સૂર્યદેવની ઉપાસના કરીને તેમની કૃપા મેળવવા માટે કરવામાં આવે છે.ભગવાન સૂર્યની કૃપાથી હેલ્થ સારી રહે છે.ઘરમાં ધન ધાન્યની પ્રાપ્તિ થાય છે.સંતાન પ્રાપ્તિને માટે પણ આ પૂજાનું ખાસ મહત્વ માનવામાં આવે છે.
કાર્તિક શુક્લની છઠના દિવસે તેમની પૂજા અર્ચના
છઠ માતાને સૂર્યદેવની બહેન માનવામાં આવે છે.સાથે જ તેમને ભગવાનની પુત્રી દેવસેના કહેવાય છે.તે પ્રકૃતિની મૂળ પ્રવૃત્તિના છઠ્ઠા અંશમાંથી જન્મી છે માટે પણ તેને ષષ્ઠી કહેવામાં આવે છે. આ જ કારણ છે કે કાર્તિક શુક્લની છઠના દિવસે તેમની પૂજા અર્ચના કરવામાં આવે છે.ઠેકુઆ અને અન્ય પ્રસાદ સામગ્રી તૈયાર થયા બાદ ફળ, શેરડી અને અન્ય સામગ્રી વાંસની ટોકરીમાં સજાવવામાં આવે છે.આ ટોકરીને દઉરા પણ કહેવામાં આવે છે.ઘરમાં તેની પૂજા કરીને દરેક મહિલા સૂર્યને અર્ધ્ય આપવા માટે તળાવ કે નદીના ઘાટ પર જાય છે. ડૂબતા સૂર્યની આરાધના કરીને અર્ધ્ય આપવામાં આવે છે. સાતમના દિવસે સવારે ઉગતા સૂર્યને પૂજીને ફરી અર્ધ્ય ચઢાવવામાં આવે છે.