વડોદરાઃ કોવિડ-19ને લઈ કેન્દ્ર સરકાર દ્વારા અનલોક-1માં 8 જૂનથી કેટલીક છૂટછાટ સાથે ધંધા રોજગાર શરૂ કરવા લોકડાઉનમાંથી મુક્તિ આપી છે. તેમ છતાં વડોદરા શહેરના સૌથી મોટા એવા ખંડેરાવ માર્કેટને શરૂ કરવામાં નહીં આવતા કાછીયા સમાજના લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ સમાજના લોકો વર્ષોથી માર્કેટમાં શાકભાજી અને ફ્રૂટનો વેપાર કરી પોતાનું ગુજરાન ચલાવતા હતા. છેલ્લાં 85 દિવસથી માર્કેટ બંધ રહેતા આ કાછીયા સમાજના લોકોને જીવન નિર્વાહ કરવા મુશ્કેલી વેઠવી પડી રહી છે.
બીજી તરફ અનલોક-1માં નવી ગાઈડ લાઈન મુજબ 8 જૂનથી ધાર્મિક સ્થળો, વેપાર, ધંધા ઉદ્યોગોને શરૂ કરવા જણાવાયું છે. જો કે, તેમાં ખંડેરાવ માર્કેટમાં ભીડભાડ થતી હોવાને કારણે માર્કેટને શરૂ કરવા દેવામાં નહીં આવે હોવાનું જણાવતા માર્કેટમાં વેપાર કરી ગુજરાન ચલાવતા વેપારીઓની દઈનિય પરિસ્થિતિ સર્જાઈ છે. શનિવારના રોજ કાછીયા સમાજના લોકોએ એકત્ર થઈ કોવિડ-19ના જરૂરી નિયમોને ખાસ ધ્યાનમાં રાખા ખંડેરાવ માર્કેટ પુનઃ શરૂ કરવા માગ કરી હતી અને આ બાબતે ધારાસભ્ય અને મંત્રીને આવેદનપત્ર પણ આપવામાં આવશે અને તેમ છતાં પણ માર્કેટ શરૂ કરવામાં નહીં આવે તો સ્વૈચ્છિક રીતે માર્કેટ શરૂ કરવામાં આવશે.તેવી ચીમકી કાછીયા સમાજના અગ્રણી નીતિન પટેલે ઉચારી હતી.