વડોદરા: મહાનગર સેવા સદન દ્વારા સ્માર્ટ સિટીના ભાગરૂપે શહેરના તળાવોનું બ્યુટીફિકેશન કરવાની શરૂઆત કરવામાં આવી હતી. અઢી વર્ષે પણ આ તળાવનું કામ પૂરું થયું નથી. તળાવમાં બનાવવામાં આવેલી સેફ્ટી દિવાલોમાં ગાબડાં પડી ગયાં છે.
છાણી ગામના તળાવનું ખાત મુહૂર્ત નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલ, વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરવામાં આવ્યું હતું. રૂપિયા 14 કરોડના ખર્ચે તળાવનું બ્યુટીફિકેશન કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તળાવની ચારે તરફ બનાવવામાં આવેલી સેફ્ટી વોલમાં ગાબડાં પડી ગયા છે. હલકી કક્ષાના કામ કરનારા સામે કોર્પોરેશન દ્વારા પગલાં ભરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.
ગામ લોકોએ એવા પણ આક્ષેપ કર્યા છે કે, સ્થાયી સમિતીના અધ્યક્ષ અમારા ગામના છે. અને તેઓ અવાર-નવાર તળાવની કામગીરીની વિઝીટ લેવા માટે જતા હતા.તો તેઓએ કોન્ટ્રાક્ટર દ્વારા થતી કામગીરીનું નિરીક્ષણ કેવું કર્યું? તે એક સવાલ છે. ગામ લોકોએ આ તળાવના બ્યુટિફિકેશનમાં વ્યાપક ભ્રષ્ટાચાર થયો હોવાના પણ આક્ષેપ કર્યા છે. હલકી કક્ષાનું કામ કરીને પ્રજાના વેરાના નાણાંનો બગાડ કરનાર કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે.