- વડોદરાના કલેક્ટરે ફોર્ટિફાઈડ ચોખા અંગે લોકોની ગેરમાન્યતા દૂર કરી
- ફોર્ટિફાઇડ ચોખાએ પ્લાસ્ટિકના ચોખા નથી, કલેક્ટરની સ્પષ્ટતા
- કુપોષણ દૂર કરવા ચોખામાં માઈક્રો ન્યૂટ્રિઅન્સ ઉંમેરવાથી તેના રંગમાં નજીવો ફેરફાર થાય છે અને તે આરોગ્યપ્રદ છે
વડોદરાઃ દેશના અનેક રાજ્યોના બાળકો કુપોષણનો શિકાર છે. તેમાંથી ગુજરાત પણ બાકાત નથી. તેવામાં બાળકોમાં કુપોષણ (Malnourished children of India) દૂર કરવા સરકાર ખોરાક, દવાઓ અને પોષણયુક્ત આહાર પૂરો પાડી રહી છે. તેવામાં શહેરમાં ફોર્ટિફાઈડ ચોખા પ્લાસ્ટિકના ચોખા હોવાની ગેરમાન્યતાને કલેક્ટરે રદિયો આપ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ ચોખા પ્લાસ્ટિકના નથી. ચોખામાં માઈક્રો ન્યૂટ્રિઅન્સ ઉંમેરવાથી તેના રંગમાં નજીવો ફેરફાર થાય છે.
આ પણ વાંચો- Fake Ghee Ahmedabad : અમૂલના ડબ્બામાં નકલી ઘીનું કૌભાંડ ઝડપાયું
મધ્યાહન ભોજનમાં બાળકોને ફોર્ટિફાઈડ ચોખા ખવડાવાય છે
ભારત સરકાર દ્વારા એપ્રિલ-2021થી સમગ્ર દેશમાં ફોર્ટિફાઈડ ચોખાનો જથ્થો મધ્યાહન ભોજન યોજના માટે વિતરણ કરીને બાળકોને કુપોષણમાંથી મુક્ત કરવાની યોજના દાખલ કરી છે. ફોર્ટિફાઇડ ચોખા એ ચોખાના જ લોટમાંથી તૈયાર કરવામાં આવે છે. તેમાં માઈક્રો ન્યૂટ્રિઅન્સ જેવા કે, ફોલિક એસિડ (વિટામીન B-9), વિટામીન B-12 તથા આર્યનની માત્રા ઉંમેરીને તેને પ્રોસેસ કરીને ચોખાના દાણા જેવા જ દાણાઓ તૈયાર કરવામાં આવે છે. તેને F.R.K. (Fortified Rice Kernel) કહેવામાં આવે છે.
શાળાઓ બંધ હોવાથી આ ચોખા બાળકોના વાલીઓને અપાય છે
આ પ્રકારના દાણાઓમાં માઈક્રોન્યુટ્રિઅન્સ ઉંમેરવાથી ફોર્ટિફાઈડ ચોખા મૂળ ચોખાના દાણા કરતાં સહેજ જુદા રંગના અથવા થોડા પીળાશ પડતા અને મૂળ ચોખાથી આકારમાં થોડા જુદા જણાતા હોય છે. આ પ્રકારના ફોર્ટિફાઈડ ચોખા મધ્યાહન ભોજન યોજના હેઠળ બાળકોને રાંધીને ખવડાવવાના હોય છે, પરંતુ અત્યારે શાળાઓ બંધ હોવાથી આ ચોખા બાળકોના વાલીઓ ઘરે લઈ જઈને રાંધીને વપરાશ કરે છે, જેથી રસોઈ કરતાં પહેલા ઉપર જણાવ્યા મુજબ, દેખાવમાં અલગ રંગ અને આકારના જણાતા હોવાથી સામાન્ય પ્રજામાં તે પ્લાસ્ટિકના દાણા હોવાની ગેરસમજ પ્રવર્તે છે.
આ પણ વાંચો- સેલવાસમાં આરોગ્ય વિભાગનો સપાટો, 400 કિલો નકલી પનીર સાથે એક આરોપીની ધરપકડ
ક્યારેક આ ચોખા રાશનકાર્ડ હોલ્ડરોને પણ આપવામાં આવે છે
ફોર્ટિફાઈડ ચોખા રાંધવામાં, મૂળભૂત ચોખાની જેમ જ રંધાઈ જાય છે. તેને બાળવાથી પ્લાસ્ટિક જેવી વાસ આવતી નથી. પાણીમાં નાખવાથી પોચા થઈને ઓગળી જાય છે. આ અંગેના ટેસ્ટ નાગરિક પૂરવઠા નિગમ સંચાલિત ફૂડ રિસર્ચ લેબોરેટરી (FRL) દ્વારા કરવામાં આવે છે અને તેની સમજણ પણ સંબંધિત દુકાનદારો, તાલુકા મામલતદાર, પૂરવઠા અધિકારીઓને પણ આપી છે. ફોર્ટિફાઈડ ચોખા હાલમાં ફક્ત અને ફક્ત મધ્યાહન ભોજન યોજના હેઠળ જ વિતરણ કરવાના થાય છે, પરંતુ એફ.સી.આઈ. દ્વારા પુરા પાડવામાં આવતા સાદા ચોખાની સાથે જ ફોર્ટિફાઈડ ચોખાનો નાગરિક પૂરવઠા નિગમના ગોડાઉનમાં સંગ્રહ થતો હોવાથી ક્યારેક રાશન કાર્ડ હોલ્ડરોને વિતરણ કરવામાં આવતા રેશનકાર્ડ હોલ્ડરોમાં ફોર્ટિફાઈડ ચોખા અંગેની જાણકારી ન હોવાથી આવા પ્રકારના ચોખા પ્લાસ્ટિકના હોવાની ગેરસમજ પ્રવર્તે છે, જે ખરેખર ફોર્ટિફાઈડ ચોખા છે.