- ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ વડોદરાની મુલાકાતે
- શહેરમાં 4 આઇસોલેશન સેન્ટરનો પ્રારંભ કરાવ્યો
- પ્લાઝ્મા ડોનેશન કેમ્પની કામગીરીને બિરદાવી
- પ્લાઝ્મા ડોનેશન કેમ્પમાં 60થી વધુ વ્યક્તિઓએ પ્લાઝ્મા ડોનેટ કર્યા
વડોદરાઃ ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ વડોદરામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે વડોદરા રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા. જેમનું શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહ, પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, સાંસદ રંજનબેન ભટ્ટ અને મેયર કેયુર રોકડીયા સહિતના હોદ્દેદારો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. રામનવમી નિમિતે કારેલીબાગ વિસ્તારમાં આવેલા અંબાલાલ પાર્ક મેદાન પાસે ટીમ વડોદરા અને ફ્રીડમ ગ્રુપ દ્વારા આયોજીત કરવામાં આવેલા પ્લાઝ્મા ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. આ કેમ્પમાં 60 જેટલા વ્યક્તિઓએ પ્લાઝ્મા ડોનેટ કર્યું હતું. જ્યારે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પ્લાઝ્મા ડોનેશન કેમ્પની કામગીરીને બિરદાવી હતી.
આ પણ વાંચોઃ મહુવા નગરપાલિકા દ્વારા રસીકરણના મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું
કોરોના મહામારીના બીજા રાઉન્ડમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે: સી. આર. પાટીલ
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પત્રકારો સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું હતું કે, કોરોના મહામારીના બીજા રાઉન્ડમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે. તેની સામે વધારાના બેડ ઉભા કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં દર્દીઓ પણ વધુ સારી રીતે સાજા થઈને પરત પોતાના ઘરે પણ જઈ રહ્યા છે. વડાપ્રધાને વેક્સિન માટે ઝુંબેશ શરૂ કરી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પણ દરેક પરિવારોનો સંપર્ક કરી વેક્સિન મુકવા મદદરૂપ થશે. રેમડેસીવીર ઈન્જેક્શનો પ્રજાને સહેલાઈથી મળી રહે તે માટે કેન્દ્ર સરકારે ઇન્જેક્શનોના નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે તેમ તેમણે જણાવ્યું હતું.
સી. આર. પાટીલે પ્લાઝ્મા ડોનેશન કેમ્પમાં હાજરી આપી
નોંધનીય છે કે વડોદરા આવી પહોંચેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પ્રથમ કારેલીબાગ અંબાલાલ પાર્ક પાસે પ્લાઝ્મા ડોનેશન કેમ્પમાં હાજરી આપી હતી. ત્યારબાદ એરપોર્ટ પાસે ખાનગી પાર્ટી પ્લોટમાં આઇસોલેશન સેન્ટરનું ઉદ્દઘાટન, બાદમાં ખોડિયારનગર ચાર રસ્તા પાસેની ખાનગી સ્કૂલમાં નમો આઇસોલેશન સેન્ટર અને માંજલપુર વ્રજધામ આધ્યાત્મિક સંકુલ ખાતે વ્રજરાજકુમારજી મહોદયની ઉપસ્થિતિમાં અને અંતે MS યુનિવર્સીટીના પોલીટેક્નિક કેમ્પસ ખાતે સમરસ હોસ્ટેલ, સયાજી હોસ્પિટલ સાથેનું કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ કરાવ્યો હતો.
આ પણ વાંચોઃ સુરતમાં સતત બીજા દિવસે BJP દ્વારા નિઃશુલ્ક રેમડેસીવીર ઈન્જેક્શનનું વિતરણ