વડોદરા: શહેરમાં સ્કૂલો દ્વારા વાલીઓ પર ફી બાબતે દબાણ અને FRCના કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવતા ઉપભોક્તા અધિકાર સંગઠનના કાર્યકરોએ ગાંધીજીના 3 વાંદરા બનીને DEOને આવેદન પત્ર પાઠવ્યું હતું.
ઉપભોક્તા અધિકાર સંગઠનના પ્રદેશ પ્રમુખ અર્નબ દેસાઇએ જણાવ્યું હતું કે, FRC મુદ્દે રાજ્યના મુખ્યપ્રધાને મૌખિક જાહેરાત કરી છે કે, FRCએ નક્કી કરેલી ફી કરતા કોઇપણ સ્કૂલ વધુ ફી લઇ શકશે નહીં. પરંતુ, સરકાર દ્વારા જે જાહેરનામું બહાર પાડવું જોઇએ તે બહાર પાડ્યું નથી. જેના કારણે શહેરની મોટાભાગની સ્કૂલો વધુ ફી લઇ રહી છે.
અર્નબ દેસાઇએ વધુમાં જણાવ્યું કે, DEO પોતે FRCના કો-ઓર્ડિનેટર છે, ત્યારે DEOએ વાલીઓની રજૂઆતોને ગંભીરતાથી લઇ FRCએ નક્કી કરેલી ફી કરતા વધુ ફી લઇ રહેલી સ્કૂલો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી અમે માગ કરી છે. સાથે સ્કૂલો દ્વારા ફી માટે વાલીઓને જે દબાણ કરવામાં આવી રહ્યું છે, તે બંધ કરવામાં આવે તેવી પણ અમે રજૂઆત કરી હતી. વધુમાં જણાવ્યું કે, FRC મુદ્દે રાજ્ય સરકાર, સ્કૂલો અને DEO કચેરી, ગાંધીજીના ત્રણ વાંદરાની જેમ સાંભળવું નહીં, બોલવું નહીં અને જોવું નહીં, તેવી ભૂમિકા બજાવી રહી છે. જેના કારણે શહેરની સ્કૂલો મનફાવે તેવું વલણ અપનાવી રહી છે. પરંતુ, FRCના નિયમોને નેવે મુકનાર સ્કૂલો સામે કડક દંડ વસુલ કરવામાં આવે તેવી પણ અમે માગ કરી છે.