વડોદરાઃ જિલ્લાના પાદરા તાલુકાના લુણા ગામની પેરાગોન કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેમા 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો, તેમજ આગની ભયાનકતાના કારણે મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો. આગ પર કાબુ મેળવવા માટે આસપાસની 16 ઇન્દ્રટીઝના ફાયર ફાયટરો સહિતનો સ્ટાફ કામે લાગ્યો હતો.
લુણા ગામ પાસે આવેલા પેરાગોન ઓર્ગેનિક્સ કંપનીમાં ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી હતી. આગ અંગેની જાણ થતાં આસપાસના ગ્રામજનો દોડી આવ્યા હતા, તેમજ આગને મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો, આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસની કંપનીના ફાયર વિભાગો પણ દોડી આવ્યા હતા, સાથો સાથ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ લુણા અને જાસપુર ગામના આગેવાનો પણ દોડી આવ્યા હતા, જો કે સદનસીબે કોઈ પણ જાનહાની થઈ ન હતી. આગ કંપનીની પાછળના ભાગમાં લાગી હોવાથી અને ત્યાં જવા માટે કોઈ વિકલ્પ ન હોવા થી આખરે JCB બોલાવી દીવાલ તોડીને આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો. 4 કલાકની ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવવામાં આવ્યો હતો.