- કોવિડ રસીકરણ સરવે: ગ્રામ્ય વિસ્તારોમાં 3 દિવસની કામગીરી પૂર્ણ
- વડોદરા જિલ્લામાં 2.08 લાખથી વધુ વ્યક્તિની નોંધણી કરવામાં આવી
- 1310 ટીમ દ્વારા 10મી ડિસેમ્બરથી સરવે શરૂ કરવામાં આવ્યો હતો
વડોદરાઃ જિલ્લામાં ચાલી રહેલા કોરોના રસીકરણ અંગેના સરવેમાં ત્રણ દિસનો સરવે પૂર્ણ થઈ ગયો છે, જે બાબતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ જણાવ્યું હતું કે, ત્રણ દિવસમાં 50 વર્ષથી વધુમાં કુલ 2,05,619 વ્યક્તિ મળ્યા છે. જ્યારે ક્રોનિકલ બિમારીને ધરાવતા 50 વર્ષથી ઓછી વયના 2829 દર્દી મળ્યા છે, જેમની યાદી તૈયાર થઈ રહી છે.
રસીકરણ માટે મેડિકલ ટેક્નિકલ તાલીમ અપાઈ
રાજ્ય કક્ષાની તાલીમ ટીમ દ્વારા આરોગ્ય તંત્રના 30 જેટલા આરોગ્ય કર્મીને બે દિવસ દરમિયાન રસી આપવાની ટેક્નિકલ અને મેડિકલ તાલીમ અપાઈ હતી. આ આરોગ્ય કર્મીઓ માસ્ટર ટ્રેનર તરીકે ફિલ્ડમાં કામ કરશે, જેઓ રસી આપનારા કર્મીઓને રસી કેવી રીતે આપવી, કઈ તકેદારી રાખવી રસીને કેવી રીતે સાચવવી જેવી બાબતોની તાલીમ આપશે. આ બાબતે ડો. ઉદય ટિલાવતે જણાવ્યું હતું કે સ્ટેટ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ એન્ડ ફેમિલી વેલફેરના ઉપક્રમે આ તાલીમ રાજ્યના મુખ્ય રસીકરણ અધિકારી પરિવાર કલ્યાણના અધિક નિયામના નેતૃત્વ હેઠળ આપવામાં આવી હતી.