- સર્વપ્રથમ વડોદરામાં બાળકીના સાત ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યા
- અમદાવાદ ફક્ત 85 મિનિટમાં બાળકીના ઓર્ગન પહોંચાડવા બનાવ્યો ગ્રીન કોરિડોર
- અન્ય ઓર્ગન હવાઈ સેવા મારફતે દિલ્હી અને મુંબઈ પહોંચાડ્યા
વડોદરાઃ શહેરમાં પ્રથમ વખત બાળકીના 7 ઓર્ગન ડોનેટનો પ્રથમ કિસ્સો બન્યો છે. જેમાં વડોદરાથી અમદાવાદ ફક્ત 85 મિનિટમાં બાળકીના ઓર્ગન પહોંચાડવા માટે પોલીસે ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. જ્યારે અન્ય ઓર્ગન હવાઈ સેવા મારફતે દિલ્હી અને મુંબઈ પહોંચાડ્યા હતા.
ફેફસા મુંબઈની હોસ્પિટલ ખાતે અને હાર્ટ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ફ્લાઈટ મારફતે મોકલાશે
વડોદરા ટ્રાફિક પોલીસે વડોદરાથી અમદાવાદ 130 કિલોમીટરનો ગ્રીન કોરિડોર બનાવ્યો હતો. જેથી વડોદરાના અંગદાતાના અંગો અમદાવાદ હોસ્પિટલમાં રહેલા દર્દી સુધી સમયસર પહોંચી શકે. આ માટે સવિતા હોસ્પિટલના ડોકટરોએ શહેર ટ્રાફિક પોલીસનો સંપર્ક સાધ્યો હતો. હાલોલમાં તબિયત લથડતા મૃત્યુ પામેલી 17 વર્ષીય બાળકીના 7 ઓર્ગન અમદાવાદ શહેર ખાતે ગ્રીન કોરિડોર રચી પહોંચાડવામાં આવ્યા હતા. જ્યારે અન્ય ઓર્ગન હવાઈ સેવા મારફતે મુંબઈ તેમજ દિલ્હી મોકલવામાં આવ્યા હતા. આ માટે હોસ્પિટલ સત્તાધીશો અને પોલીસ પ્રશાસન યુદ્ધના ધોરણે ફરજ બજાવી હતી.
બાળકીને બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવારજએ તબીબોના સંકલનથી દીકરીના સાત ઓર્ગન ડોનેટ કરવા સહમતી દર્શાવી
હાલોલના રહેવાસી નીરજભાઈ શાહ અને તેમની પત્ની ક્રિમાતા બ્યુટીપાર્લર ચલાવે છે અને તેઓને સંતાનમાં 17 વર્ષની દીકરી નંદની હાલોલ ખાતે 12 કોમર્સમાં અભ્યાસ કરતી હતી અને પુત્ર જય ધોરણ 10માં અભ્યાસ કરે છે. 18 તારીખે રાત્રે તબિયત લથડતા સ્થાનિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યાંથી તેને વધુ સારવાર અર્થે વડોદરાની સવિતા હોસ્પિટલ લાવવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેને બ્રેઈનડેડ જાહેર કરાતા પરિવારજએ તબીબોના સંકલનથી દીકરીના સાત ઓર્ગન ડોનેટ કરવા સહમતી દર્શાવી હતી.
ટ્રાફિક પોલીસની મદદથી 129 કિલોમીટરનું અંતર માત્ર 85 મિનિટમાં પૂરું કર્યું
હોસ્પિટલના સત્તાધીશોએ નંદનીના ઓર્ગન ગંતવ્ય સ્થળે પહોંચાડવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી. કારણ કે આ કામગીરીમાં સમય મર્યાદા ખૂબ મહત્વની હોય છે. ફેફસા મુંબઈની હોસ્પિટલ ખાતે ચાર્ટર્ડ વિમાનમાં લઈ જવાશે. જયારે હાર્ટ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં ઈન્ડિગો ફ્લાઈટ મારફતે મોકલાશે. તેમજ બે કિડની, બે આંખો અને લીવર અમદાવાદની આઈ.કે.ડી. હોસ્પિટલ ખાતે ગ્રીન કોરિડોર તૈયાર કરી લઈ જવાઇ. જેથી પોલીસ કમિશનર આર.બી બ્રહ્મભટ્ટે તાત્કાલિક ટ્રાફિક પોલીસની ટીમને તૈયાર કરી ગ્રીન કોરિડોર ઊભો કર્યો હતો. ટ્રાફિક પોલીસની મદદથી 129 કિલોમીટરનું અંતર માત્ર 85 મિનિટમાં પૂરું કરીને ઓર્ગન સહી સલામત અમદાવાદની હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. આ પહેલા પણ ત્રણ વખત વડોદરા પોલીસે ગ્રીન કોરિડોર ઉભો કરી અમદાવાદ ખાતે ઓર્ગન પહોંચાડ્યા હતા.