- વડોદરામાં કોરોનાના કેસમાં ઉછાળો
- છેલ્લા 10 દિવસમાં 1000થી વધુ પોઝિટિવ કેસ નોંધાયા
- SSG હોસ્પિટલના રેસિડેન્ટ ડૉક્ટરોને પરત બોલાવાશે
વડોદરા: શુક્રવારે યોજાયેલી એક બેઠકમાં શહેરના OSD ડૉ. વિનોદ રાવે કોરોના કેસમાં ઉછાળો આવ્યા બાદ અમદાવાદ મોકલેલા 42 રેસિડેન્ટ તબીબોને તબક્કાવાર પરત લાવવામાં આવશે જેમાં પહેલા તબક્કામાં 12 ડોક્ટરો આવ્યા બાદ બીજા તબક્કામાં 30 ડોક્ટરોને પરત લવાશે.
OSD ડૉ. વિનોદ રાવની સૂચના સિવાય ડોક્ટરોને મોકલાશે નહીં
સૂત્રોના જણાવ્યા મુજબ બેઠકમાં એવી પણ સૂચનાઓ આપવામાં આવી છે કે હવે અમદાવાદથી રેસિડેન્ટ ડોક્ટરો માટેની માંગણીઓની સૂચનાઓ આવે તો સીધા જ તબીબોને મોકલાશે નહી, પહેલા કોરોના એડવાઈઝર ડો. મીનું પટેલ અને અશોક પટેલને આ બાબતે જાણ કરાશે અને ત્યારબાદ તેઓ ડો. વિનોદ રાવને જાણ કરશે. ત્યારબાદ જ ચર્ચા કર્યા બાદ આ અંગે અંતિમ નિર્ણય લેવાશે.
તબીબો પાસે રેપીડ ટેસ્ટનું કામ કરાવતા હોબાળો
ગત દિવસોમાં SSG હોસ્પિટલમાંથી અમદાવાદ એસવીએસ કોરોના હોસ્પિટલમાં ફરજ બજાવવા 42 રેસિડેન્ટ તબીબોને મોકલાયા હતા. જેમને પરત બોલવાના નિર્ણયની જાણ થતા SSGના રેસિડેન્ટ તબીબોમાં ખુશહાલીનું મોજુ ફરી વળ્યું છે. અમદાવાદમાં કોરોના વકરતા વડોદરાથી 42 રેસિડેન્ટ તબીબોને બોલાવાયા હતા. આ તબીબો પૈકી 20 તબીબો પાસે એમ્બ્યુલન્સમાં રેપીડ ટેસ્ટ સહિતનું કામ કરાવતાં હોબાળો થયો હતો. આથી તબીબોએ આ મામલે ઉગ્ર વિરોધ પણ નોંધાવ્યો હતો.