- વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો
- મહિલાએ આર્થિક તંગી છે કહી પૈસાની માંગણી કરતા હત્યા કરી
- પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજના આધારે આપોરીની ધરપકડ કરી
સુરત : શહેરમાં ગત રવિવારે સુરતના ઝાંપાબજાર અલ ખલીલ ટી સેન્ટરની સામે આવેલા અવાવરૂં મકાન વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાંથી અજાણી મહિલાનો કહોવાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે તેની ઓળખ માટે તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન મહિલાની ઓળખ શબાના જાવીદ સૈયદ તરીકે તેના ભાઈ અશફાક મુસ્તાક સૈયદે કરી હતી. શબાના ચોકબજાર વિસ્તારમાં ઘરકામ માટે જતી હતી. ગત 10મીના રોજ સવારે ચોકબજાર એ-વન કોકોની ગલીમાં સિલ્ક હાઉસ માર્કેટ પાસે કોઈ એપાર્ટમેન્ટમાં ઘરકામ પતાવી બપોરે દોઢ વાગ્યે નીકળી હતી. પરંતુ ઘરે પહોંચી ન હતી.
વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાં મહિલાનો મૃતદેહ મળ્યો
અઠવા પોલીસે તેના ગુમ થયાની નોંધ કરીને તપાસ શરૂ કરી હતી. પરંતુ તેની ભાળ મળી નહોતી. ગત રવિવારે વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાં મહિલાનો મૃતદેહ મળતા પોલીસે અશફાકને બોલાવી ખરાઈ કરતા તેણે કપડા અને અન્ય વસ્તુઓના આધારે તેની ઓળખ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં શબાનાની હત્યા માથામાં ઈજા થતા અને ગળું દબાવવાથી થઈ હોવાનો ખુલાસો થતા મહિધરપુરા પોલીસે અશફાકની ફરિયાદના આધારે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે કરી ધરપકડ
આ દરમિયાન આ ગુનાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. પોલીસે આ મામલે સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા. જેમાં મહિલા પીળા કલરના શર્ટ પહેરેલા શખ્સ સાથે જતી નજરે ચડી હતી. જેથી આ મામલે પોલીસે તપાસ શરુ કરી હતી અને ઉગાત કેનાલ રોડ પાસેથી પ્રકાશ બબાભાઈ જેશંગભાઈ દેવીપુજકને ઝડપી પાડ્યો હતો.
શરીર સબંધ બાંધ્યા બાદ મહિલાએ પૈસા માંગ્યા હતા
પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, મૃતક મહિલા તેને અવાર-નવાર ભાગ તળાવ પાસે મળતી હતી. બન્ને મરજીથી શરીર સબંધ બાંધતા હતા. આ દરમિયાન 10-6-2021ના રોજ પણ તેઓ ઝાંપાબજાર અલ ખલીલ ટી સેન્ટરની સામે આવેલા અવાવરું મકાન વાઘેલા ચેમ્બર્સના ભોંયરામાં મળ્યા હતા અને શરીર સબંધ બાંધ્યો હતો. પરંતુ ત્યારબાદ મહિલાએ આર્થિક તંગી હોવાનું જણાવી પૈસા માંગ્ય હતા. તે વાતને લઈને બન્ને વચ્ચે ઝગડો થયો હતો અને ઝપાઝપી થઇ હતી. જેમાં રોષે ભરાયેલા પ્રકાશે તેનું ગળું દબાવી હત્યા કરી દીધી હતી અને તેના મૃતદેહને ત્યાં જ મૂકી ફરાર થઇ ગયો હતો.