- મોર્નિંગ વૉક માટે નિકળેલી પરિણિતાનું અજાણી કારની અડફેટે મોત
- લગ્નનાં ત્રણ-ચાર મહિના બાદથી સાસરિયાઓએ પરેશાન કરવાનું શરૂ કર્યું હતું
- શાલિનીના નામે 15 લાખ રૂપિયાનો વીમો પકવવા માટે હત્યા કરાઈ હોવાના પિતાનાં આક્ષેપો
સુરત: કુંભારિયા ગામની સારથી રેસિડેન્સીમાં રહેતી પરિણિતા વહેલી સવારે પોતાના પતિ સાથે મોર્નિંગ વૉક માટે નિકળી હતી. પતિનાં જણાવ્યા પ્રમાણે, અજાણ્યા કારચાલકે પત્નીને અડફેટે લેતા તેને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટરે તેણીને મૃત જાહેર કરી હતી. જોકે મુતકનાં પિતાએ વીમો પકવવા માટે તેઓની દીકરીની પતિ અને નણંદ દ્વારા હત્યા કરવામાં આવી હોવાની કેફિયત રજૂ કરી હતી. મૃતકનાં પતિ દ્વારા નોંધાવેલી ફરિયાદનાં આધારે પુણા પોલીસે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
દીકરીને સાસરિયાઓ ત્રાસ આપતા હતા
શાલિનીના પિતાનાં જણાવ્યા પ્રમાણે, ફેબ્રુઆરી 2017માં શાલિનીનાં લગ્ન થયાં હતા. લગ્નનાં ત્રણ-ચાર મહિના બાદ સાસરિયાઓએ તેણીને પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. પતિ અનુજની બહેન પૂજા અને નીરુ દ્વારા પણ મારી દીકરીની હેરાનગતિ કરવામાં આવતી હતી. આ કારણોસર હું મારી પુત્રીને ઘરે લાવ્યો હતો. ત્યારબાદ એક મહિના પછી મેં તેને ફરીથી સાસરે મોકલી આપી હતી. સાસરિયાઓ દ્વારા વર્ષ 2018માં પાંચ લાખ રૂપિયા માંગવામાં આવ્યા હતા. તો મેં બે લાખ રૂપિયા આપ્યા હતા અને બટાકાનો પાક તૈયાર થયા બાદ બીજા ત્રણ લાખ રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું. એ લોકો દીકરી પાસે ફોન પણ રાખવા દેતા ન હતા.
15 લાખનો વીમો પકવવા મારી દિકરીની હત્યા કરી છે
મોર્નિંગ વૉક દરમ્યાન એક અજાણ્યા કારચાલકની અડફેટે શાલિનીનું મોત નિપજ્યા બાદ શાલિનીનાં પરિવારે આક્ષેપ કર્યો છે કે, શાલિનીના નામે 15 લાખ રૂપિયાનો વીમો છે. તે વીમો પકવવા માટે પતિ અને નણંદ દ્વારા તેણીની હત્યા કરવામાં આવી છે. ત્યાં જ દીકરીના પિતાનું કહેવું હતું કે મારી દિકરીના નામે 15 લાખ રૂપિયાનો વીમો છે. તે વીમો પકવવા માટે મારી દીકરીની તેના પતિ અને નણંદ દ્વારા હત્યા કરવામાં આવી છે. તેઓને હત્યાની શંકા એટલા માટે છે કે, સામાન્ય રીતે સવારે 10 વાગ્યે જાગવા વાળું પરિવારનું એકાએક વહેલી સવારે વૉક પર જવાનું કારણ શું હોય?
શાલિનીનાં સસરા સામે પણ કર્યા આક્ષેપો
શાલિનીનાં પિતાએ વધુમાં જણાવ્યું હતું કે, અનુજનાં પિતાનું સાચું નામ મોહનસિંહ મહોબતસિંહ યાદવ છે. સુરત આવ્યા બાદ તેઓએ પોતાનું નામ બદલીને સોહનસિંહ જનકસિંહ યાદવ રાખ્યું હતું. તેમના ગામની પ્રોપર્ટીમાં સોહનજી મહોબતસિંહ યાદવ નામ ચાલી રહ્યું છે. સોહનસિંહના નામે 70 લાખ રૂપિયાનો વીમા પોલિસી છે. જેમાં એક્સિડેન્ટલ ડેથમાં દોઢ કરોડ મળશે. તેઓ હાલ જીવી રહ્યા હોવા છતાં ગામના સરપંચ પાસેથી મરણનો દાખલો કઢાવી આપવાનાં આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.
પોલીસને હજી સુધી કોઈ કડી મળી નથી
પુણા પોલીસે પતિ અર્જુન યાદવની ફરિયાદને આધારે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 8 જાન્યુઆરીના રોજ બનેલી ઘટનાની કોઈપણ કડી હજુ સુધી પોલીસને મળી નથી. પોલીસને પણ અકસ્માત સર્જનાર કાર ચાલક મળ્યા બાદ જ આ સમગ્ર ઘટના માત્ર અકસ્માત છે કે પછી વીમો પકવવા માટે કરાયેલી હત્યા? તે અંગે જાણકારી મળી શકશે.