- પત્ની અને સાળાએ યુવકને અડધો કિમી સુધી ઢસડ્યો
- યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો
- હોસ્પિટલમાં સારવાર દરમ્યાન યુવકનું મોત નીપજ્યું
બારડોલી: કડોદરામાં પત્ની અને સાળાએ મળી યુવકને માર મારી ટેમ્પા પાછળ ઘાતકી રીતે રોડ પર ઢસડ્યો હતો. આ ઘટનામાં ગંભીર રીતે ઇજા પામેલ યુવકનું સોમવારના રોજ વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટનામાં મૃતકના કાકા દ્વારા પોલિસ ફરિયાદ કરવામાં આવી હતી. કડોદરાનગરમાં આવેલ દુર્ગાનગરમાં રહેતા બાલકૃષ્ણ રમેશ રાઠોડ અને તેની પત્ની શીતલ વચ્ચે વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો. શનિવારના રોજ બંને વચ્ચે સામાન્ય બાબતમાં ઝગડો થયો હતો. જે બાદ, પત્નીએ તેના ભાઈ અનિલ ચૌહાણને બોલાવ્યો અને ભાઈ બહેન બંનેએ મળી બાલકૃષ્ણને માર માર્યો હતો.
યુવકને અડધો કિમી સુધી ઢસડ્યો
અનિલ ચૌહાણે પોતાના ટેમ્પોની પાછળ દોરડા વડે બાંધી અડધો કિલોમીટર સુધી રોડ પર ઢસડ્યો હતો. જે જોઈ સ્થાનિકોએ ટેમ્પોને અટકાવવા જતા ટેમ્પો રોડની બાજુમાં રહેલા કેનાલમાં ઊંધો વળ્યો હતો. જે બાદ લોકોએ ભાઈ બહેનને માર મારી પોલિસને હવાલે કર્યા હતા. અને બાલકૃષ્ણને સુરત સ્મીમેર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
હત્યાની કલમનો લગાવાઈ
આ ઘટનામાં કડોદરા પોલિસે બાલકૃષ્ણના કાકા અન્ના રાઠોડ પાસેથી ફરિયાદ લઈ બાલકૃષ્ણની પત્ની અને ભાઈ વિરુદ્ધ હત્યાના ઇરાદે માર મારવાનો ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. દરમ્યાન સોમવારના રોજ બાલકૃષ્ણ રાઠોડનું હોસ્પિટલમાં મોત બાદ કડોદરા પોલિસે મૃતકની પત્ની અને તેના ભાઈ વિરુદ્ધ 302ની કલમ ઉમેરી તપાસ હાથ ધરી છે.