- લાજપોર જેલમાં કેદીઓને આપવામાં આવ્યું રોટી મેકર
- જેલમાં 40 હજાર જેટલી રોટલીઓ બનાવવામાં આવે છે
- કેદીઓને સુધારવા માટે સુરત પોલીસની અનોખી પહેલ
સુરતઃ એશિયાની સૌથી હાઈટેક લાજપોર જેલમાં 3 હજાર કેદી છે. કોરોના મહામારીમાં કેદીઓને ઘરનું જમવાનું ટિફિન બંધ થઈ ગયું હતું, જેને લઈ કેદીઓએ ભારી મુશ્કેલી વેઠવી પડી હતી. કેદીઓના માનવ અને મૌલિક અધિકારને ધ્યાનમાં લઈ જેલ સત્તાધીશોએ લોક ફાળે જેલમાં જ સારી ગુણવત્તાવાળું જમવાનું મળી રહે તે માટે જ ખાસ જેલમાં જ લોટ દળવાની ઘંટી સાથે રોટી મેકર મશીન મૂકવામાં આવ્યું છે. પેહલા જે ભોજન બનાવા માટે કલાકો લાગતા હતા તે હવે માત્ર ગણતરીની મિનિટોમાં જ ભોજન તૈયાર થઈ જાય છે. રોજ 3 હજાર કેદી માટે આશરે સવાર સાંજ મળી 40 હજાર જેટલી રોટલીઓ બનાવામાં આવે છે.
પોલીસની અલગ છાપ અને ગુનેગારોને સુધારવા એક અનોખી પહેલ
જેલ સત્તાધીશ માટે કેદીઓને સારી ગુણવત્તાનું જમવાનું આપવા સાથે તેઓને તેમના મગજમાં ગુનાહિત પ્રવૃત્તિથી દૂર રહેવા અને હવે પછી ગુનો નહીં કરવો તે અંગે પણ જેલમાં સંદેશો આપવામાં આવે છે. જેલની અંદર તેઓના પેટમાં સારું જમવા સાથે મગજમાં હકારાત્મક વિચારો પણ પીરસવામાં આવે છે. જેલ સત્તાધીશોએ પોલીસની અલગ છાપ અને ગુનેગારોને સુધારવા એક અનોખી પહેલ કરી છે.