- સુરતમાં કાપડ માર્કેટોની સંખ્યામાં સતત થઈ રહેલો વધારો
- કાપડ માર્કેટમાં રસ્તા, સ્ટ્રીટ લાઈટ જેવી પાયાની સવલતોનો અભાવ
- માલસામાનનાં ટ્રાન્સપોર્ટેશનને લઈને પણ એક ખાસ નીતિ બનાવવાની જરૂર
સુરત: મહાનગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. ત્યારે સુરતનાં ટેક્સટાઇલ માર્કેટનાં વેપારીઓની પણ આ ચૂંટણીને લઇને અપેક્ષાઓ છે. છેલ્લા કેટલાક સમયથી અનેક સમસ્યાઓને લઈને તેઓ નિરાકરણ લાવવા ઈચ્છે છે. તેઓ સમસ્યાને પણ જાણે છે અને તેનો ઉકેલ પણ તેમની પાસે છે. જેના અમલીકરણ માટે પાલિકાનાં હોદ્દેદારો અને અધિકારીઓએ આગળ આવવું પડશે.
સુરતનાં કાપડ બજારમાં દેશભરમાંથી વેપારીઓ આવે છે
કાપડ માર્કેટ વિસ્તારમાં અનેક સમસ્યાઓ છે. જેનું નિરાકરણ માત્ર સુરત મહાનગરપાલિકા દ્વારા થઇ શકે છે. આવી સમસ્યાઓ અંગે ફેડરેશન ઓફ ટેક્સટાઇલ ટ્રેડર્સ એસોસિયેશનનાં પ્રમુખ રંગનાથ શારદાએ જણાવ્યું હતું કે, "ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળે છે. સાથે જે પણ લાઈટ છે, તે પણ સારી ક્વૉલિટીની નથી. દેશભરમાંથી વેપારીઓ સુરતમાં આવે છે અને આ વિસ્તારમાં ફરે છે. જેથી તેઓ સુરતની એક સારી છાપ પોતાના રાજ્યમાં લઈને જાય તે માટે સારા રસ્તાઓ અને ખાસ કરીને એલઇડી સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા તમામ માર્કેટ વિસ્તારમાં કરવી જોઈએ."
ચૂંટણી અગાઉ સુરતનાં કાપડ માર્કેટનાં વેપારીઓને કઈ સમસ્યાઓ સતાવી રહી છે? પાલિકા પાસે ઉપલબ્ધ ઉપકરણો અને સુવિધાથી માર્કેટ વિસ્તાર વિકસાવવો જોઈએકાપડબજારનાં વેપારી શ્રીકૃષ્ણ બંકાનાં જણાવ્યા પ્રમાણે, "પાલિકા દ્વારા નિયમ બહાર પાડવામાં આવ્યો છે કે, વેપારીઓને ફાયર સેફ્ટી અંગેના તમામ સાધનો પોતે માર્કેટમાં રાખવાનાં રહેશે. જો કોઈ પણ બનાવ બનશે, તો તેના માટે માર્કેટનાં પ્રમુખ અને પદાધિકારીઓ જવાબદાર રહેશે. જ્યારે બીજીબાજુ ફાયર સેફટીનાં નામે વેરા બિલ પણ વસૂલવામાં આવે છે. તેમાં વેપારીઓ ટેક્સ પણ આપે છે. તેમ છતાં કોઈ ઘટના બને તો વેપારીઓને જવાબદાર રાખવાનો નિયમ પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. તેના કરતા પાલિકાને ફાયર સ્ટેશનની સંખ્યામાં વધારો કરવો જોઈએ અને પાલિકા પાસે ઉપલબ્ધ ઉપકરણો અને સુવિધાથી માર્કેટ વિસ્તાર વિકસાવવો જોઈએ. આ સાથે ટ્રાફિકની સમસ્યાનો પણ નિકાલ કરવો જોઈએ."
માર્કેટ વિસ્તારમાં મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની જરૂર છેઅન્ય એક વેપારી દિનેશ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, "સુરતમાં સતત માર્કેટની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. કેટલાક માર્કેટો ઘણા જૂના છે અને તેમાં પાર્કિંગની વ્યવસ્થા નથી. અનેક વિસ્તારોમાં પાલિકાએ પે એન્ડ પાર્ક શરૂ કર્યા છે. પરંતુ તેમના કારણે અવરજવરમાં હેરાનગતિ થતી હોય છે. વાહનો બીજી વાત છે, પરંતુ લોકોને પણ અવરજવરમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. ટ્રાફિકની સમસ્યા આ કાપડ માર્કેટની મુખ્ય સમસ્યાઓમાંથી એક છે. આ સમસ્યાનાં નિરાકરણ માટે પાલિકાએ મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવાની જરૂર છે. જેથી શહેરનાં અને શહેર બહારનાં વેપારીઓને ટ્રાફિકની સમસ્યા ન થાય. આ ઉપરાંત માલસામાનનાં ટ્રાન્સપોર્ટેશનને લઈને પણ એક ખાસ નીતિ બનાવી શકાય તેમ છે."