- 13 પૈકી 2 બેઠકો પર ખેલાશે ત્રિપાંખીયો જંગ
- સુરત ડિસ્ટ્રિક્ટ બેંકની 18 પૈકી 5 બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી
- 30 જાન્યુઆરીનાં રોજ બેંકની મુખ્ય બ્રાન્ચ ખાતે કરાશે મતગણતરી
સુરત:સુરત ડિસ્ટ્રિક્ટ બેંકનાં કુલ 18 ડિરેકટરો માટેની જાહેર કરવામાં આવેલી ચૂંટણીમાં પાંચ બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી. સહકારી ક્ષેત્રના રાજકારણના વર્ચસ્વ સન્માનનીય ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા બેંકના હોદ્દેદારોની વહીવટની અણઆવડત જ્યારે બીજી તરફ ભાજપ પ્રેરિત સહકાર પેનલ દ્વારા બેંકનાં વિકાસનાં ગુણગાન ગાઈને મતદારોને છેલ્લી ઘડી સુધી રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, બાકીની બેઠકો માટે યોજાયેલી ચૂંટણીમાં મતદાનનાં દિવસે 15 મતદાન મથકો પર 4600 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું.
સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કમાં 13 નિયામકોની ચૂંટણી માટે મતદાન પૂર્ણ, 30મીએ યોજાશે મત ગણતરી 13 બેઠકો ઉપર 28 ઉમેદવારોનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યુંસુરત ડિસ્ટ્રિક્ટ બેંકનાં 18 નિયામકોની ચૂંટણીમાં ભાજપની સહકાર પેનલના ઉમેદવારો અને બૅન્કના વર્તમાન ચેરમેન સંદિપ દેસાઇ શરૂઆતથી જ બિન હરીફ રહ્યા હતા. જ્યારે બેંકનાં ચેરમેન નરેશ પટેલ તેમજ બારડોલીનાં દીપક પટેલ, નયન ભરતીવાળા અને ઓલપાડ બેઠકનાં ઉમેદવાર અને ધારાસભ્ય મુકેશ પટેલ પણ બિનહરીફ રહ્યા હતા. આમ કુલ 5 બેઠકો બિનહરિફ થયા બાદ હવે 13 બેઠકો ઉપરથી 28 ઉમેદવારોનું ભવિષ્ય દાવ ઉપર લાગ્યું છે. જેમાં ખાસ કરીને જોવા જઈએ તો માંડવી બેઠક ઉપર સાંસદ પ્રભુ વસાવા સામે અન્ય બે ઉમેદવારો પણ હોવાથી ત્યાં ત્રિપાંખિયો જંગ ખેલાશે. એ જ રીતે નરેશ પટેલને સમર્થન આપનાર અને સહકારી ક્ષેત્રનાં અગ્રણી એવા દિલીપ ભગતનાં પુત્ર આશિષ ભગતે પણ ઉમેદવારી નોંધાવી હોવાથી સોનગઢ ઉચ્છલનો સમાવેશ કરતી અન્ય મંડળીની બેઠક ઉપર પણ ત્રિપાંખીઓ જંગ જામશે. સવારે 9 થી સાંજે 4 વાગ્યા સુધી 4600 જેટલા મતદારોએ મતદાન કર્યું હતું. ત્યારબાદ 30મી જાન્યુઆરીએ બેંકની મુખ્ય બ્રાન્ચ ખાતે મતગણતરી કરવામાં આવશે.