સુરત: શહેરના અડાજણ વિસ્તારમાં આવેલી ચૈતન્ય વિદ્યા સંકુલ શાળાના ધોરણ-10માં અભ્યાસ કરતી વૈદેહી વેકરીયા અને રાધિકા લાખાણી નામની બન્ને વિદ્યાર્થિનીઓએ સ્પેસ અને ઓલ ઇન્ડિયા એસ્ટરોઇડ કેમ્પેઇનમાં ભાગ લીધો હતો. આ કેમ્પેઈનની અંદર વિદ્યાર્થિનીઓને બ્રહ્માંડમાં સ્થિર અને પરિભ્રમણ કરતા ગ્રહોની શોધખોળ કરવા અંગેનું એક મિશન આપવામાં આવ્યું હતું. જે અંતર્ગત આ વિદ્યાર્થિનીઓએ મંગળની નજીક ભ્રમણકક્ષામાં ફરતો એક ક્ષુદ્રગ્રહ શોધી કાઢ્યો છે.
આ અંગે નાસાને પણ જાણ કરવામાં આવી હતી. જેને લઇને નાસાએ પણ સ્વીકૃતિ આપી છે. આ બન્ને વિદ્યાર્થિનીઓ ગુજરાતની પહેલી વિદ્યાર્થિનીઓ છે, જેમને આ પ્રકારનો પરિભ્રમણ કરતો ક્ષુદ્રગ્રહ શોધી કાઢવામાં સફળતા મેળવી છે.
આ પ્રોજેક્ટમાં વિદ્યાર્થિનીઓને પેન સ્ટાર ટેલિસ્કોપ અમેરિકાના હવાઈ ખાતે આવેલા છે. તેના દ્વારા લેવામાં આવેલા ફોટોગ્રાફને વિધાર્થિનીઓ દ્વારા અધ્યતન સોફ્ટવેર અને આ ટેકનિકનો ઉપયોગ કરી ક્ષુદ્રગ્રહની શોધ કરવામાં આવે છે. આ અંગે સુરતની સ્પેસ નામની સંસ્થા વિદ્યાર્થિનીઓને ટ્રેનિંગ આપે છે અને સતત તેમને આવી શોધ કરવા પ્રોત્સાહન પુરૂં પાડે છે.