- બારડોલીમાં આપ્યું આવેદનપત્ર
- પ્રાંત અધિકારી, પોલીસ અને નગરપાલિકાને આવેદનપત્ર આપ્યું
- ગુજરાતમાં 1,000 રૂપિયાનો દંડ વસુલવામાં આવે છે.
બારડોલી: બારડોલી ખાતે આમ આદમી પાર્ટીના કાર્યકરો સક્રિય થયા છે. સુરત શહેરની જેમ અહીં પણ કાર્યકરોએ માસ્ક ન પહેરનારા પાસેથી દંડ વસુલવાની જગ્યાએ તેમને માસ્કનું વિતરણ કરવામાં આવે તેવી માગ કરી હતી. આમ આદમી પાર્ટી, બારડોલી શહેર અને તાલુકાના કાર્યકરોએ બારડોલી SDM, પોલીસ અને નગરપાલિકા ચીફ ઓફિસરને ઉદ્દેશીને આવેદનપત્ર આપ્યું હતું.
દંડની જગ્યાએ માસ્કનું વિતરણ કરવા રજૂઆત
સુરત શહેરમાં વિપક્ષ તરીકે પોતાની જવાબદારી નિભાવી રહેલી આમ આદમી પાર્ટી જિલ્લામાં પણ સક્રિય થઈ છે. સુરતમાં તેમની માગ મુજબ દંડ વસુલવાની જગ્યાએ માસ્ક વિતરણ કરવા બાબતે રજૂઆત કરી હતી. જેનો અમલ શરૂ કરવામાં આવ્યા બાદ બારડોલીમાં પણ આમ આદમી પાર્ટી દ્વારા આ જ પ્રકારની રજૂઆત કરવામાં આવી છે. શુક્રવારના રોજ આમ આદમી પાર્ટી દ્વારા બારડોલી SDM, પોલીસ અધિકારી તેમજ નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સુરતમાં માસ્ક ન પહેરનારાઓ પાસે દંડ નહિં વસૂલાઈ, ફક્ત માસ્ક અંગે જાગૃત કરાશે
માસ્ક વિતરણથી લોકોમાં જાગૃતતા આવશે
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત સરકાર દ્વારા માસ્ક નહીં પહેરનારા માટે રૂપિયા 1,000નો દંડ વસુલવામાં આવી રહ્યો છે. આ દંડ વસુલવાની જગ્યાએ માસ્ક નહીં પહેરનારાને માસ્ક આપીને પ્રોત્સાહિત કરવામાં આવે તેવી માંગણી કરી છે. આ પ્રકારના અભિયાનથી લોકોમાં માસ્ક પહેરવા પ્રત્યે જાગૃતતા આવશે એવું આમ આદમી પાર્ટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
પોલીસ માસ્ક નહીં આપે તો આમ આદમી પાર્ટી આપશે
સુરત જિલ્લા આમ આદમી પાર્ટીના મહામંત્રી માવજીભાઈ પરમારે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સરકાર 1,000 રૂપિયાનો દંડ વસુલે છે તેની જગ્યાએ માસ્કનું વિતરણ કરવામાં આવે જેથી લોકોને રાહત થાય. જો સરકાર કે પોલીસ દ્વારા માસ્કનું વિતરણ નહીં કરાય તો આમ આદમી પાર્ટી દ્વારા વિતરણ કરવામાં આવશે.
આ પણ વાંચો: ડાંગ જિલ્લામાં માસ્ક ન પહેરવા બદલ કુલ 23,48,000 રૂપિયાનો દંડ વસૂલાયો