- સુરત પોલીસે આત્મહત્યા કરતા વેપારીને બચાવ્યો
- મહિલા PSI સહિત ત્રણ પોલીસકર્મીઓનું સન્માન કરાયું
- વેપારીએ કર્યો હતો ચોથા માળેથી આત્મહત્યા કરવાનો પ્રયાસ
સુરત: શહેર પોલીસની સતર્કતાને પગલે આત્મહત્યા કરવા નીકળેલા એસ.એમ.ટી.એમ માર્કેટના કાપડના વેપારીને બચાવી લેવાયો છે. જેના પગલે પુણા પોલીસ મથકમાં ફરજ બજાવતા મહિલા પીએસઆઈ ડી ડી રોહિત સહિત ત્રણ પોલીસકર્મીઓનું શહેર પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આત્મહત્યા કરવા પહોંચેલા વેપારીની કરાઈ પૂછપરછ
પુણા પોલીસ સ્ટેશન સામે એસએમટીએમ માર્કેટના ચોથા માળે એક વ્યક્તિ આત્મહત્યા કરવા પહોંચી ગયો હોવાનો પોલીસ કંટ્રોલ તરફથી પુણા પોલીસને મેસેજ મળતા જ પુણા પોલીસ મહિલા સબ-ઇન્સ્પેક્ટર સહિત ત્રણ પોલીસકર્મીઓએ માત્ર છ મિનિટમાં જ એસ.એમ.ટી એમ માર્કેટના ચોથા માળે પહોંચી જઈ વેપારીને સમજાવીને વાતોમાં રાખીને આત્મહત્યા કરતા બચાવી લીધો હતો. આત્મહત્યા કરવા પહોંચેલા વેપારીની પૂછપરછ કરતા તેને વેપારી પાસેથી બાકી નીકળતા 6 થી 8 લાખ રૂપિયા લેવાનો હોય વેપારી વાયદોઓ આપી સમય પસાર કરતો હોય કંટાળી જઈને આત્મહત્યા કરવા પહોંચી ગયો હોવાનું જણાવ્યું હતું.
માર્કેટના ચોથા માળેથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો
પુણા પોલીસ સ્ટેશનના પીઆઇ વિજયસિંહ ગડરીયાને 09:21 વાગે પોલીસ કંટ્રોલ રૂમ તરફથી મેસેજ મળ્યો હતો કે, એક વ્યક્તિએ એસ.એમ.ટી.એમ માર્કેટના ચોથા માળેથી આત્મહત્યા કરવાની કોશિશ કરી રહ્યો છે. તાત્કાલિક પોલીસ મથકના પીસીઆર ઈન્ચાર્જને કંટ્રોલ રૂમ તરફથી મળેલા મેસેજ વાળા સ્થળે પહોંચવાનું કહેતા PCR 24ના મહિલા સબ-ઇન્સ્પેક્ટર ડી ડી રોહિત, પોલીસ કોન્સ્ટેબલ રણછોડ વાળા, કાના વાજા તાત્કાલિક માર્કેટના ચોથા માટે પહોંચી ગયા હતા અને આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલા વેપારી મહેન્દ્ર પાંડુરંગને વાતોમાં રાખી સમજાવીને આત્મહત્યા કરતા રોકી લીધો હતો.
કાતરથી મારવાની ચીમકી આપી
આ અંગે મહિલા સબ-ઇન્સ્પેક્ટર ડીડી રોહિતે જણાવ્યું હતું કે, વેપારીના હાથમાં કાતર હતી જેના થકી તે આત્મહત્યાનો પ્રયાસ કરી રહ્યો હતો અને અમને પણ આ કાતરથી મારવાની ચીમકી આપી હતી. પરંતુ વેપારીને બીજી પ્રવૃત્તિથી સમજાવી ફોસલાવીને ચોથા માળેથી અમે બચાવી લીધો હતો.
માત્ર 6 મિનિટમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી
માર્કેટના લોકો કહેતા હોય છે કે, પોલીસ ક્યારેય સમય પર પહોંચતી નથી. પણ સુરતમાં પુણા પોલીસ માત્ર 6 મિનિટમાં પહોંચી અને આત્મહત્યા કરવા જઈ રહેલા વેપારીનો જીવ બચાવ્યો હતો. આ તમામ પોલીસકર્મીઓને સુરત પોલીસ કમિશનર અજય તોમર દ્વારા સન્માનિત કરાયા હતા.